'ખેડૂત' અને 'ખેતી' - ઇતના હંગામાં ક્યું હૈ…? ([For the betterment of our farmers])
→ 'ખેડૂત' અને 'ખેતી' - પ્રગાઢ રીતે એકબીજા સાથે જોડાયેલા શબ્દો અને અત્યારે તો દેશભરમાં સૌથી વધુ ચર્ચાઇ રહેલા શબ્દો. ખેર અહીં આપણે રાજનીતિ ની કોઈ વિમાસણ માં પડવાનું જ નથી. પરંતુ ખેતી ના ક્ષેત્રે આપણે હજુ પણ જોઈએ એવી પ્રગતિ સાધી શક્યા નથી. અત્યારે ભારતની વસ્તી 125 કરોડ ધ્યાન માં લેતા દેશભરમાં લગભગ 60% જેટલા લોકો ખેતી સાથે સંકળાયેલા છે. તેમ છતાં દેશની કુલ GDP ના માત્ર 18% જ કૃષિ ક્ષેત્ર માંથી મેળવી શકીએ છીએ. છે ને એકદમ આશ્ચર્યકારક!
→ ભારત ના કુલ ખેડૂતોમાંથી લગભગ 80% જેટલા ખેડૂતો નાના ધારકો છે કે જેમની પાસે બે હેક્ટર કે તેથી ઓછી જમીન હોય (એક હેક્ટર એટલે અંદાજે 6.17 વીઘા). આ ઉપરાંત કુલ ખેડૂતોના 19% જેટલા ખેડૂતો ને જ ટ્રેક્ટર પરવડી શકે છે. વધુ માં ભારત ના ખેડૂતો પાસે પાકની ઉપજ વધારવાના તથા સુધારવાના માધ્યમોનો ઘણો અભાવ છે. તેમજ જમીન ની તંદુરસ્તી ને સમજવાની માહિતી નો પણ અભાવ જોવા મળે છે. આ ઉપરાંત આધુનિક સિંચાઇ પદ્ધતિ નો ઉપયોગ અને તે અંગેની પૂરતી માહિતી પણ છેવાડાના ખેડૂતને નથી હોતી. આવા અનેક પરિબળોના લીધે છેવટે ખેડૂતોએ તથા કૃષિક્ષેત્રને આર્થિક નુકસાન નો બોજો વહન કરવાનો વારો આવે છે. જેના કારણે અર્થતંત્ર ને પણ માથી અસર પહોંચે છે. જ્યારે યુએસ, ચીન, ઇઝરાયલ(જ્યાં પાણી નાં પણ ફાંફાં છે) જેવા દેશો યોગ્ય ટેક્નોલોજી નો ઉપયોગ કરી કૃષિક્ષેત્રે આપણાં કરતાં ઘણા આગળ છે. તો જોઈએ, આપણે પ્રાથમિક ધોરણે કઈ કઈ ટેક્નોલોજીનો કૃષિક્ષેત્રે ઉપયોગ કરીને તેને આગળ લાવી શકીએ.
→ સૌ પ્રથમ તો આપણે ખેતી ની વર્ષો જૂની પરંપરાગત પદ્ધતિઓને કોરાણે મૂકી દેવાની તાતી જરૂરિયાત છે. ત્યાર બાદ જ આપણે નવી ટેક્નોલોજી અપનાવી શકીશું. તો વિગતવાર જોઈએ અમુક ટેક્નોલોજી (મુદ્દાઓ) જે પ્રાથમિક ધોરણે આપણે અપનાવી શકીએ.
1. સ્માર્ટ ફોન દ્વારા આધુનિક અને મહત્તમ સિંચાઇ : કૃષિમાં સિંચાઇ એ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આજના સમય માં ખાસ કરીને અમુક અંતરિયાળ વિસ્તારો તેમજ રણ પ્રદેશોમાં પાણી ની વધતી અછત અને ભૂગર્ભ જળ સંસાધનોના ઘટાડાને ધ્યાન માં લેતા યોગ્ય સિંચાઇ પ્રણાલિની નોંધપાત્ર આવશ્યકતા છે. અમુક સર્વેક્ષણો અનુસાર ભારત જેવા ખેતી પ્રધાન દેશમાં 50% કરતાં ઓછી કૃષિ સિંચાઇ છે. જે ખાસ્સું ચિંતા જનક છે.
- જમીન માં ભેજ યુક્ત સેન્સર (Moisture sensor - કે જેને આપણે સ્માર્ટ ફોન સાથે પણ જોડી શકીએ) ના ઉપયોગથી જમીન માં અમુક ઊંડાઈ સુધી હાજર ભેજનું પ્રમાણ જાણી શકીએ છીએ અને જરૂર જણાતા ટપક સિંચાઇ પદ્ધતિ કે ફુવારા પદ્ધતિના ઉપયોગ દ્વારા સિંચાઇ ને વધુ કાર્યક્ષમ બનાવી શકાય. આ પદ્ધતિમાં સ્માર્ટ ફોન ના ઉપયોગ દ્વારા આપણે બધુ આંગળીઓ ના ટેરવે કરી શકીએ છીએ. જેથી પાણી તથા સમય બંનેની બચત થાય છે. આ પદ્ધતિ કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, ઝારખંડ જેવા રાજ્યોમાં આશીર્વાદ રૂપ બની શકે છે.
2. આધુનિક પાક સંરક્ષણ ના ઉપાયો : આજે ઘણાખરા પ્રદેશોમાં જમીન ની ફળદ્રુપતા ઘટતી જાય છે (વધુ પડતાં રાસાયણિક ખાતરોના પાપે). જે પર્યાવરણ માટે પણ નુકસાનકારક છે. જેની સામે આધુનિક સેંદ્રિય ખાતરોનો ઉપયોગ ઘટતો જાય છે. ભારત ના ખેડૂતો નવા અને પર્યાવરણીય રીતે સલામત હોય તેવા જંતુનાશકોનો વપરાશ નથી કરતાં કે કરવાની પરવાનગી નથી. જ્યારે પાકિસ્તાન ને વિયેતનામ જેવા દેશોમાં 500 થી વધુ નવા જંતુનાશકો નોંધાયેલા છે. અમેરીકામાં તો આંકડો 750 થી વધુનો છે. જ્યારે ભારત માં ફ્ક્ત 290 છે.
- ટેક્નોલોજીની પ્રગતિ નો મુખ્ય ફાયદો એ જ છે કે નવા જંતુનાશકો ઓછા પ્રમાણ માં વધુ અસરકારક રીતે વર્તે અને કૃષિ માં રસાયણોનો ભાર ઘટાડે. જે છેવટે મનુષ્યો, પ્રાણીઓ અને પર્યાવરણ માટે સુરક્ષિત સાબિત થાય.
3. સચોટ આગાહીઓ : Big Data Analysis ખેડૂતોને ઉચ્ચ ગુણવત્તા, ઇચ્છનીય પાક ઉત્પન્ન કરવા માટે જરૂરી માહિતી પૂરી પાડી શકે છે. આ ઉપરાંત પાકની મહતમ ઉપજ મેળવવા માટે શ્રેષ્ઠતમ બીજ અને અન્ય કૃષિ ઉત્પાદનો નક્કી કરવા માટે Big Data Analysis પદ્ધતિ ઉપયોગી બની શકે તેમ છે. AI (Artificial Intelligence - કૃત્રિમ બુદ્ધિ) હવામાનની સચોટ આગાહી કરવામાં અને તે મુજબ ખેડૂતોને ખેતી માટે વ્યૂહરચના બનાવવામાં મદદ કરી શકે છે.
- હવામાનની આગાહી સિંચાઇના અભાવવાળા વિસ્તારોમાં સૌથી વધુ સહાયભૂત થઈ શકે છે. સિંચાઇ ન કરતા વિસ્તાર માં તાપમાનનો વધારો 7.6% જેટલી ઉપજ ને ઘટાડે છે. જ્યારે ભારે વરસાદ સિંચાઇ વગરના વિસ્તારોમાં 14.7% જેટલી ઉપજ વધારે છે.
4. પુરવઠા વ્યવસ્થાપન (Supply Management) : ભારતે કૃષિ પુરવઠાની સાંકળો (Supply chain management)ની કાર્યક્ષમતા માં સુધારો કરવા માટે Data Analysis ની મદદથી અલગ અલગ સેન્સર, GPS અને સેટેલાઇટ ઈમેજિંગ જેવી તકનીકીઓ કૃષિ પ્રણાલીને સ્થિતિસ્થાપક બનાવવામાં મદદ કરી શકે છે. એક રિપોર્ટ અનુસાર ભારતમાં ઉત્પાદિત કુલ ફળોના 40% જેટલા ફળો ગ્રાહકો સુધી પહોંચે તે પહેલાં જ ખરાબ થઈ જાય છે. જે પુરવઠા વ્યવસ્થાપનની પોલ ઉઘાડી પાડે છે. ખેતી પ્રધાન દેશમાં પુરવઠા વ્યવસ્થાપન એકદમ સુદ્રઢ હોવું તદ્દન આવશ્યક છે.
- આ માટે આપણે RFID (Radio-frequency identification) નો ઉપયોગ કરી પુરવઠા વ્યવસ્થાપનની સપ્લાય ચેન ને યોગ્ય કરી શકીએ. RFID કોઈપણ વસ્તુની માહિતીને રેડિયો તરંગ સ્વરૂપે પ્રસારિત કરે છે. જેના કારણે આપણે વસ્તુની ગુણવત્તા સુધારી શકીએ છીએ. ઉપરાંત પ્રોડક્ટની સુરક્ષા અને તેને ટ્રેક પણ કરી શકાય છે, જેથી પરિવહન પણ સુરક્ષિત બને છે.
5. વર્ટીકલ ફાર્મિંગ : હરોળ બદ્ધ ઊભા અલગ અલગ લેયર(સ્તર)માં પાક ઉગાડવાની પદ્ધતિ ને વર્ટીકલ ફાર્મિંગ કહે છે. આ પ્રકાર ની ખેતી પણ આજકાલ ખૂબ જ પ્રચલિત થતી જાય છે. ખાસ કરીને જમીન ના અભાવવાળા વિસ્તારોમાં ખૂબ ઉપયોગી છે. આ ખેતી ઘર (મોટા મકાન) ની અંદર કૃત્રિમ પ્રકાશ અને તાપમાનની પરિસ્થિતિ માં કરવામાં આવે છે. તે ખૂબ ઓછી જગ્યા માં અને કૃત્રિમ રીતે નિયંત્રિત વાતાવરણ ની જગ્યા માં વધારે તેમજ શ્રેષ્ઠ ઉત્પાદકતા પૂરી પાડી શકે છે. જે માટી વિનાની ખેતી ની અલગ અલગ પદ્ધતિઓ જેમ કે હાઈડ્રોપોનિક્સ, એક્વાપોનિક્સ અને એરોપોનિક્સ ને પણ પ્રોત્સાહન પૂરું પાડે છે.
6. પાક વીમો : અચાનક જ વાતાવરણ માં પરિવર્તનના કારણે સર્જાયેલી અનિશ્ચિતતા ની ભરપાઈ કરવા માટે તેમજ પાકને બચવવા માટે અસરકારક પાક વીમા કાર્યકરમની જરૂર છે. ઘણા લોકો (કંપનીઓ) વીમા પ્રોગ્રામ્સમાં પહેલેથી જ ચુકવણી કરે છે. પરંતુ તેઓ થોડી એવી જ સુરક્ષા પૂરી પડે છે. આ આખી સિસ્ટમને ઢંઢોળવાની જરૂર છે. જેથી નાના ખેડૂતોને નીચા પ્રીમિયમ અને લાંબા ગાળાના વીમા કવર દ્વારા સુરક્ષિત કરવામાં આવે.
→ આપણે અલગ અલગ ટેક્નોલોજી જેમ કે સ્માર્ટ ફોન દ્વારા સિંચાઇ વ્યવસ્થા, Big Data Analysis, ભેજ માપક સેન્સર(Moisture sensor), સેટેલાઈટ ઈમેજિંગ વગેરે ની વાત કરી પરંતુ સાથે એ પણ યાદ રાખવું જરૂરી કે ખેડૂતોને આ બધી ટેક્નોલોજી નું સમયે સમયે જ્ઞાન થતું રહે અને બજાર માં આવતી કૃષિ સંલગ્ન ટેક્નોલોજીથી અવગત રહે. કૃષિમાં નવી નવી ટેક્નોલોજીનો નિરંતર ઉપયોગ આગળ જતાં ખેડૂતોના હિતમાં તેમજ સમગ્ર દેશના કૃષિ સેક્ટર માં લાભદાયી નીવડશે.
→ અંતે, શક્યતાઓ તો અનંત છે. પરંતુ કૃષિ ઉદ્ધયોગને ડિજિટલ યુગ માં લાવવાથી ખેડૂતો માટે વિકાસ નો ઘણો અવકાશ છે.
Comments
Post a Comment