પથ્થરોની આપમેળે થતી પા પા પગલી 👣

 


અમેરિકાના પશ્ચિમ કાંઠે આવેલ કેલિફોર્નિયા રાજ્ય આમ તો તેની મોજમજા માટે જગ આખામાં જાણીતું છે. પરંતુ પોતાની સાથે કેટલાક એવા રહસ્યો પણ સંઘરીને બેઠું છે કે જેના પરથી આજ સુધી પડદો ઉંચકાયો નથી. એમાંનું એક એટલે કેલિફોર્નિયાને અડીને જ નેવાડા રાજ્યની સરહદ પાસે આવેલ Area 51 નામનો વિસ્તાર. પરંતુ આજે વાત એની નથી. અહીં કેલિફોર્નિયા રાજ્યમાં જ મોજાવી નામનું 1,24,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું રેગિસ્તાન આવેલું છે. આ રેગિસ્તાન દુનિયાના અન્ય તમામ રેગિસ્તાન કરતાં એકદમ અલગ છે. અલગ એટલા માટે પડે છે કેમ કે તેના જેટલું ઉષ્ણતામાન અન્ય એકપણ રેગિસ્તાનનું નથી. આજ રેગિસ્તાનમાં Death Valley તરીકે જગમશહૂર એવો નેશનલ પાર્ક આવેલો છે. જે લંબાઈમાં આશરે સવા બસ્સો કિલોમીટર જેટલો અને આશરે 25 કિલોમીટર જેટલો પહોળો છે. આ નેશનલ પાર્કની અજાયબી એ કે તેની રચના સામાન્ય રણપ્રદેશ કરતાં અલગ પ્રકારની છે. અલગ એટલા માટે કે અહીં રેતીના નામે કશું જ નથી. છે તો બસ માત્ર સપાટ ઉજ્જડ અને વેરાન ક્ષારયુક્ત જમીન. આ મેદાની પ્રદેશ દરિયાની સપાટીથી 86 મીટર જેટલો નીચો છે. આખી દુનિયામાં સૌથી વધારે તાપમાન અહીં નોંધાયેલ છે. સન 1913 માં જુલાઈ મહિનામાં આ જગ્યાએ નોંધાયેલું તાપમાન 57° c જેટલું વધારે હતું. આટલું વિષમ વાતાવરણ છતાં 230 જાતની અલગ અલગ પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે. Death Valley ના આ મેદાની પ્રદેશને અમેરિકન લોકો Racetrack Playa (સુકાઈ ગયેલ સરોવર) તરીકે ઓળખે છે. 

નેશનલ પાર્કની મુલાકાત લેતા પ્રવાસીઓ માટે કૌતુક પ્રેરક જો કોઈ વસ્તુ હોય તો એ Racetrack Playa તરીકે ઓળખાતા મેદાની પ્રદેશમાં જોવા મળતા ચક્કાઓ (ચાસ) છે. જે કોઈ વ્યક્તિએ નહીં પરંતુ ભારેખમ પથ્થરોના લીધે આપમેળે રચાયેલા છે. આ પથ્થરોનું વજન પણ 150 કિલોગ્રામથી લઈને 250 કિલોગ્રામ સુધીનું હોય છે. 1930 થી લઈને 1940 વચ્ચેના સમયગાળા દરમિયાન આ ધ્યાનમાં આવેલું અને એમાં પણ કૌતુક જગાવનાર કારણ એ કે પથ્થરોનું આપમેળે થતું સ્થાનાંતરણ ક્યારેય કોઈ વ્યક્તિના ઘ્યાનમાં આવતું ન હતું. આગળ જતાં સન 1952 માં ટી. ક્લેમેન્ટસ નામના ભૌતિકશાસ્ત્રીએ અને 1956 માં એસ. એ. શુમે નામના ભૌતિકશાસ્ત્રીએ એકસરખા જેવો ખ્યાલ રજૂ કરેલો. તે બંને ભૌતિકશાસ્ત્રીઓના મત અનુસાર એ ભારેખમ વજન ધરાવતા પથ્થરો જોશીલા પવનના કારણે તે મેદાની પ્રદેશની ચારે તરફ આવેલ પર્વતમાળા પરથી ગબડીને નીચે પડ્યા હશે અને એ જ જોશીલા પવનના કારણે સપાટ મેદાન પર સરકતા હશે. તેમના મત અનુસાર પવનનો વેગ એકસરખો રહેતો ન હોવાના કારણે ઘણા લાંબા સમય સુધી પથ્થરો ત્યાં જ સ્થગિત રહે. જેના કારણે તેના સરકવાનું કોઈના ધ્યાન પર નહોતું આવતું. તેમનો આ નિષ્કર્ષ થોડો હાસ્યાસ્પદ લાગે. કેમ કે તોતિંગ વજન ધરાવતા પથ્થરો મેદાન પ્રદેશ પર સરકે ત્યારે તેને અવરોધતું મેદાનની સપાટીનું ઘર્ષણ પણ જેવું તેવું ન હોય કે પથ્થર માત્ર પવનના જોરે સરકી શકે. ત્યારબાદ ઘણો સમય એમ જ વીત્યો. જોકે સંશોધનો થતા રહ્યાં, પણ કશી નવાજુની ન બની. 

સફારીમાં નોંધેલો એક પ્રસંગ છે કે રોબર્ટ નામના એક સંશોધકે પ્રયોગ કરવા એકસામટા 25-30 પથ્થરોને લાઈનમાં રાખ્યા અને તમામની સાથે એક લાકડી ખોંસી. જેથી ખ્યાલ આવે કે જો પથ્થર સરકે છે તો ખરેખર કેટલો સરકે છે. આ રીતની ગોઠવણ કરીને પેલો સંશોધક એક વર્ષ સુધી જતો રહ્યો. ત્યારબાદ વર્ષાન્તે આવીને તેણે અવલોક્યું કે પથ્થરો તેના મૂળ સ્થાનથી વિચલિત થયા હતા અને લગભગ 600 થી 800 ફૂટ દૂર સુધીનું અંતર કાપ્યું હતું. પથ્થરો સરકવાના કારણે પોતાની પાછળ સરકવાના ચક્કાઓ પાડતા જતાં હતા. આ પરથી રોબર્ટે અનુમાન કર્યું કે અહીંના પ્રાકૃતિક સંજોગો અનુસાર વરસાદના લીધે પર્વતો પર જમા થયેલ પાણી ધીમે ધીમે મેદાન પર ઉતરી આવ્યું હોય જેના લીધે સપાટી ચીકણી અને લપસણી બની હોય. આ તરફ પવનનો સૂસવાટો આવી લપસણી જમીન પર પથ્થરને સરકવા મજબૂર કરી દે. 

આ મેદાન પ્રદેશમાં જ્યારે વરસાદનું પાણી ભરાયેલું હોય ત્યારે તાપમાન શૂન્ય નીચે માઈનસ ડિગ્રીમાં જતું રહે છે. શૂન્ય નીચે પાણી બરફમાં રૂપાંતરિત થાય છે જે આપણને ખ્યાલ છે. US National Park અને અમેરિકાની પ્રખ્યાત જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના સંદર્ભ અનુસાર, તે જ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રી રાલ્ફ લોરેન્ઝે પોતાની ગણતરી પરથી જણાવેલું કે ત્યાંના પથ્થરો ડોલોમાઈટ પ્રકારના છે. કેલ્શિયમ કાર્બોનેટ અને મેગ્નેશિયમનું મિશ્રણ હોય તેવા પથ્થરો ડોલોમાઈટ તરીકે ઓળખાય છે અને જેમનું વજન પ્રત્યેક ઘન મીટરે 2700 કિલોગ્રામ જેટલું હોય છે. આ સામે પાણીનું એક ઘન મીટરે વજન 1000 કિલોગ્રામ અને બરફનું એક ઘન મીટરે વજન 900 કિલોગ્રામ જેટલું થાય છે. જેના કારણે બરફ પાણીમાં તરે છે. ટૂંકમાં સમજીએ તો બરફની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી હોવાથી તે પાણી પર તરી શકે છે. અહીં સમજવા ખાતર જો માત્ર વરસાદના પાણીના કારણે જમીન ચીકણી અને લપસણી બની છે તો પણ જોશીલો પવન તેને સરકાવી શકતો નથી. કેમ કે ભૌતિકશાસ્ત્રના નિયમ અનુસાર ભારેખમ વજન ધરાવતા પથ્થરને પોતાના વજનનું જ ઉર્ધ્વગામી બળ તેને જમીન સાથે જોડી રાખવા મજબૂર કરે છે. જેના લીધે પવન પણ પથ્થરના સરકવા પાછળ કંઈ ભાગ ભજવી શકતો નથી. હવે જો પાણીના બદલે બરફ જામેલી સપાટી હોય તો જેમ જેમ તાપમાન શૂન્યથી નીચે જાય તેમ તેમ સપાટી પર રહેલ પાણીનું બરફમાં રૂપાંતર થતું રહે છે. લોરેન્ઝની ગણતરી પ્રમાણે આપણે જોયું કે એક ઘન મીટર પાણી અને બરફ વચ્ચે આશરે 100 કિલોગ્રામ જેટલો ફેર છે અને ડોલોમાઈટ બંધારણના પથ્થરો સપાટ અને પોચી જમીન પર આસાનીથી સરકી શકે છે. 

હવે અહીં પ્રશ્ન થાય કે પથ્થર તો જમીન પર અડેલો છે અને ચારે તરફ બરફમાં રૂપાંતરિત થયેલ પાણીનો જથ્થો પણ વધારે છે તો પછી બરફ તેને કઈ રીતે પોતાના પર સરકાવી શકે? તો એનો જવાબ એ છે કે અહીં પથ્થરનું વજન તો નક્કી છે, એક ઘન મીટરે 2700 કિલોગ્રામ. પરંતુ પાણીનો જથ્થો અચળ નથી. પાણીના જથ્થાના આધારે તેનું વજન પણ વત્તા ઓછા અંશે વધઘટ થવાનું. જેના કારણે બરફના વજનમાં પણ ફેરફાર થવાનો. હવે અહીં આખા મેદાની પ્રદેશમાં થીજેલ બરફનું વજન પથ્થર કરતાં વધારે થાય. જેના લીધે પથ્થરની સપાટી અને જમીનની સપાટી પર વર્તાતું બળ ઘટીને ઓછું થઈ જાય છે અને તેને તરલ બનાવી દે છે. વધુમાં રાલ્ફ લોરેન્ઝે એ પણ જણાવ્યું કે, પથ્થરને વચ્ચોવચ્ચ જકડી રાખતી બરફની પાટનું વજન જો 20 ગણું હોય તો તે પથ્થરને તરતો કરી શકે છે. પરંતુ Death Valley ના Racetrack Playa તરીકે ઓળખાતા મેદાની પ્રદેશમાં એટલો વરસાદ નથી પડતો કે જેના લીધે આટલું વધારે પાણી ભરાઈ શકે. લોરેન્ઝની આ સાબિતી પછી તેણે પોતાનો અભ્યાસલેખ 'અમેરિકન જર્નલ ઓફ ફિઝિક્સ' માં તેણે પ્રગટ કરેલો ત્યારબાદ વિશ્વ આખા માટે આ રહસ્ય પરથી પડદો ઉંચકાયો અને ખબર પડી.

આમ તો આ ઘટનાને આપણા રોજિંદા જીવન સાથે ખાસ કંઈ નિસ્બત નથી. પરંતુ કુદરતના આવા અકળ રહસ્યોને જાણવાનો પ્રયાસ પણ રોમાંચ પેદા કરે છે. સંદર્ભ સાભાર: Johns Hopkins University, US National Park Service, Safari, Britanica, ResearchGate etc...

Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

Union Budget 2026–27: Growth with Fiscal Prudence at the Core

How Reading Habits Are Evolving in the Digital Age