ઉત્તરાખંડની "માનવસર્જિત" આપત્તિ પાછળનું વિસ્મયકારક - જ્ઞાન (વિજ્ઞાન)


ચોમાસાની મનમોહક ઋતુમાં એકાદ રમણીય હિલસ્ટેશન પર ફરતા હોઈએ ત્યારે આ જ ઋતુની ભયાનકતાનો ખ્યાલ લગીરે આપણાં મનમાં આવતો હોતો નથી. બિલકુલ એવી જ રીતે કેટલાય લોકો ઉત્તરાખંડની હર્ષિલ બોર્ડર પાસે ભગીરથી નદીના કાંઠે વસેલ ધરાલી ગામમાં રજાની મજા માણી રહ્યા હતા ત્યારે એવા જ સમયે પહાડો ઉપર વાદળ ફાટતા ધસમસતો આવેલો પાણીનો પ્રચંડ પ્રવાહ આખા ગામ પર ફરી વળ્યો. ચોમાસામાં અને એમાં પણ ખાસ કરીને હિમાલયન ક્ષેત્રોમાં વાદળ ફાટવાની તેમજ ઘોડાપૂરની ઘટનાઓમાં દર વર્ષે વધારો થવાનું કારણ પર્યાવરણનું થતું ઉત્પીડન છે. આ તમામ દુર્ઘટનાઓ ઘટવા પાછળ કુદરત તો માત્ર થોડા એવા અંશે જવાબદાર છે પરંતુ એનાથી પણ વિશેષ એ તમામ ઘટનાઓ "માનવસર્જિત" છે. માનવસર્જિત એટલા માટે કે આ તમામ દુર્ઘટનાઓ વારાફરતી થવા પાછળના મૂળિયા આજથી 216 વર્ષ પહેલાં 1809 માં જ રોપાઈ ગયેલા. દર વર્ષે જે કંઇ પણ દુર્ઘટના ઘટે એ રાજકારણીઓ માટે આરોપ-પ્રત્યારોપનો મુદ્દો છે અને ન્યૂઝ ચેનલો માટે પોતપોતાની TRP રેટિંગ વધારવાનો મુદ્દો. આ બધાની વચ્ચે હોનારતનું એ પાસું કે જેને પ્રાધાન્ય મળવું જોઈએ એ સૌ કોઈની ધ્યાન બહાર જ છે. ત્યારે પણ હતું અને આજે પણ છે. આ પાસું છે વિજ્ઞાનનું. પહાડી પ્રદેશમાં જ્યારે પણ વાદળ ફાટે અને નદીઓમાં ઘોડાપૂર આવે ત્યારે કુદરતનો મહદ્અંશે ફાળો ગણવો જ રહ્યો. પરંતુ અહીં વાસ્તવિકતા કંઈક અલગ જ છે કે જેમાં કુદરત સહેજ પણ કસૂરવાર નથી. પ્રસ્તુત લેખ કંઈક એવી જ હકીકત બયાન કરે છે કે જેના મંડાણ ઓગણીસમી સદીના આરંભે થયા હતા. 

તો વાત જાણે એમ છે કે સન 1800 આસપાસ બ્રિટિશ શાસિત બંગાળનો ગવર્નર-જનરલ લોર્ડ ગિલ્બર્ટ મિન્ટોએ એપ્રિલ 10, 1809 ના દિવસે નેપાળના રાજાને ઉત્તરાખંડના (કેમ કે ત્યારે ઉત્તરાખંડ (ગઢવાલ તેમજ કુમાઉં) નેપાળનો ભાગ હતું) જંગલોમાં ચીડના વૃક્ષોનો રાળ (ગુંદર જેવો ચીકણો પદાર્થ), જેને અંગ્રેજીમાં Resin તરીકે ઓળખવામાં આવે છે, કાઢીને વ્યાપારી પ્રવૃતિ તરીકે આગળ વધારવા માટે પત્ર લખ્યો. વ્યાપારી પ્રવૃતિ માટેની મંજૂરી રાજા પાસેથી મળ્યા બાદ રુધરફોર્ડ નામના અંગ્રેજે તે વિસ્તારમાં જઈને ત્યાંના સ્થાનિક લોકોને રાળ કાઢવાની તાલીમ આપી. રાળ મુખ્યત્વે ટાર્પેન્ટાઇન, પેઈન્ટ, નેઇલ પોલિશ, રબ્બર, કોસ્મેટિક્સ, શ્યાહી વગેરેની બનાવટમાં વપરાય છે. જેવી રીતે વૃક્ષમાંથી કુદરતી રબ્બર કાઢવામાં આવે છે તેવી જ રીતે ચીડના થડ પર આડો છેદ (ચીરો) મૂકી નીચે શંકુ આકારનું પાત્ર રાખી તેમાં ધીમે ધીમે ચીડનું પ્રવાહી સ્વરૂપનું રાળ એકઠું થયા કરે છે. ચીડના વૃક્ષ પર એક વખત છેદ મૂક્યો એટલે પછી સરેરાશ 50 કિલોગ્રામ જેટલો Resin (રાળ) પ્રાપ્ત થાય છે. જો યોગ્ય ધારાધોરણ પ્રમાણે રાળ મેળવવામાં આવે તો ચીડના વૃક્ષને ખાસ જફા પહોંચતી નથી. આ તરફ ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ નૈનિતાલ જિલ્લામાં કાશીપુર ગામ ખાતે રાળના શુદ્ધિકરણ માટે ફેક્ટરી પણ સ્થાપી દીધી. ત્યારબાદ ધીમે ધીમે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ફેક્ટરીઓની સંખ્યા વધારી દીધી અને ત્યાંના તમામ વિસ્તારોના માલિકી હક્કો પોતાના હસ્તક લીધા. જેથી તેની સામે ઉત્તરાખંડના લોકોએ સખ્ત વિરોધ નોંધાવ્યો. કારણ કે આ જંગલની વિવિધ પેદાશો તેમના રોજિંદા જીવનનો આધાર હતી. 

વર્ષો બાદ ભારત આઝાદ થયું ત્યારે લોકોને લાગ્યું કે તેમના જંગલો પરના અધિકારો તેમને પાછા મળશે, પરંતુ તે વખતની ભારત સરકારે અંગ્રેજોની નીતિ ચાલુ રાખી. આવકનો મધપૂડો દેખતી સરકારે સ્થાનિક ઠેકેદારોને આડેધડ રાળ કાઢવાના પરવાના આપ્યા. આ સાથે અક્ષમ્ય હદની ભૂલ એ કરી કે અન્ય તમામ પ્રકારના વૃક્ષો કાપી તેની જગ્યાએ ચીડના વૃક્ષોનો ઉછેર કરાવવામાં આવ્યો. જેના કારણે ઉત્તરાખંડના જંગલો monoculture પ્રકારના બન્યાં. જેમાં એક જ પ્રજાતિના વૃક્ષો સિવાય અન્ય કોઈ વૃક્ષો હોય જ નહિ. ઉત્તરાખંડે વારંવાર વેઠવા પડતા કુદરતના ઘા માટેનું પહેલું કારણ આ. બીજું કારણ જોઈએ તો ચીડના વૃક્ષમાંથી યોગ્ય ધારાધોરણ સાથે રાળ મેળવવામાં આવે તો તે વૃક્ષને નુકશાન પહોંચાડતું નથી, જે અગાઉ આપણે જોયું. પરંતુ અહીં પૈસાલોભી ઠેકેદારોએ ધારાધોરણોની ઐસીતૈસી કરીને અને મન ફાવે તેમ ચીડના વૃક્ષોના થડ પર લાંબા કાંપા મારીને રાળ કાઢવાનું શરૂ રાખ્યું. અહીં સરકારે આ બધા પર નજર રાખવાની તાતી આવશ્યકતા હતી પરંતુ એને મન તો નફામાં જ રસ હતો. જેથી 1961 થી 1970 ના દસકા દરમિયાન કુલ નફો 28% જેટલો વધ્યો. 1970 માં ઉત્તરાખંડના સ્થાનિક લોકોએ આ સામે 'ચિપકો' આંદોલન શરૂ કરેલું. પરંતુ તેનાંથી પણ આ પ્રવૃતિ અટકી નહિ.

આ તરફ યોગ્ય ધારાધોરણ ન જળવાતા અને નિયત માત્રા કરતા વધુ પ્રમાણમાં રાળ કાઢવામાં આવતું હોવાથી વૃક્ષો નપાણીયા અને અંદરથી સાવ ખોખલાં થવા લાગ્યા. સહેજ પણ વધુ પવન ફૂંકાય કે તરત જ બટકવા લાગ્યા. વૈજ્ઞાનિક ગણતરી પ્રમાણે વૃક્ષ દર ચોરસ સેન્ટીમીટરે પવનનું મહતમ કેટલા કિલોગ્રામ દબાણને વેઠી શકે તેને લગતી Kg/cm² = P x L ÷ d¹ x 32 એવી અટપટી ફોર્મ્યુલા છે (અર્થ સમજાવવાનો કોઈ અર્થ નથી). ઉદાહરણ તરીકે રાળ કાઢ્યા વગરનું જે વૃક્ષ કલાકના 80 કિલોમીટરની ઝડપે ફૂંકાતા પવનમાં ટકી રહે તે રાળ કાઢી લીધા પછી માત્ર 34 કિલોમીટર જેટલી ઝડપે ફૂંકાતા પવનમાં ધસી પડતાં હતા. મૂળમાંથી ન ઉખડે પરંતુ જ્યાંથી રાળ કાઢવામાં આવતો હોય ત્યાં અધવચ્ચેથી જ બટકી પડે. આમ, ઉત્તરાખંડના જંગલોમાં ચીડ સિવાયના વૃક્ષોને જાકારો મળ્યો અને એ સિવાય ચીડના વૃક્ષમાંથી શક્ય એટલો રાળ કાઢી લેવામાં આવ્યો. જેના પરિણામે વૃક્ષો બટકણાં બન્યા. આ બે વૈજ્ઞાનિક કારણો આપણે જોયા એ હમણાં ઉત્તરાખંડના ધરાલી ગામમાં કે એ પહેલાં જે પણ હોનારતો થઈ એમાં કઈ રીતે સુસંગત છે હવે એ જોઈએ. 

સામાન્ય રીતે જંગલ વિસ્તારમાં અનેક પ્રજાતિના વૃક્ષો હોય છે. અલગ અલગ પ્રજાતિના વૃક્ષો હોવાથી કદ, આકાર, દેખાવ વગેરે પરિમાણો પણ અલગ અલગ હોવાના. જેમાં મોટા અને લાંબા પાંદડા હોય તેવા વૃક્ષો વરસાદના પાણીને તરત જ જમીન પર પડવા દેતા નથી. ટૂંકમાં તેનો વેગ અને સમય પર્વતીય વિસ્તારોમાં ઢોળાવ પરથી ધીમો કરે છે અને ખીણ પ્રદેશમાં વહેતી નદી સુધી થોડા સમય પછી પહોંચે છે. જેના લીધે જમીનનું ધોવાણ પણ થતું નથી અને એકસામટા આવતા પાણીનો પ્રવાહ ધીમો પડતાં પૂરનું જોખમ પણ રહેતું નથી. જ્યારે ચીડના વૃક્ષમાં લાંબા કે પહોળા પાંદડા જ નથી. પાંદડાના નામે લાંબી સળીઓ છે જે વરસાદી પાણીને રોકવા સક્ષમ નથી. પરિણામે વરસાદનું તમામ પાણી પર્વતીય ઢોળાવ પરથી સીધું નદીમાં જઈને તેને છલકાવી મૂકે અને એ જ નદી આગળ જતાં કોઈ ડેમ સાથે ભળીને તેને પણ છલકાવી મૂકે. પરિણામે આસપાસના ગામોનું આવી બન્યું. ચીડના વૃક્ષો જ નપાણીયા બન્યા જેના કારણે તેના મૂળીયા જમીનને પકડી રાખવા સક્ષમ ન રહ્યા અને વરસાદ વરસતાં જ માટીના કણો તેમજ વૃક્ષોના પાન અને ઝાડી ઝાંખરા બધું સામટું નીચે વહેવા લાગે. જેના કારણે આ બધાનો નદીમાં ભરાવો થતો જાય અને નદીઓ છીછરી બને. પરિણામે પાણીનો ભરાવો થતા બધું બહારની તરફ ફેલાવા લાગે. જળપ્રલય થતા સહેજ પણ વાર ન લાગે એ વળી બીજી મોકાણ.

આમ, કુદરત દર વર્ષે ચેતવણીઓ આપે જ છે પરંતુ જાડી ચામડીના ઠેકેદારો તેમજ સરકારી અમલદારો આ બધું ગણકાર્યા વગર તેમની પ્રવૃતિઓ ચાલુ રાખે છે. જે સરવાળે આમ જનતાએ ભોગવવું પડે છે. કુદરત સાથે ચેનચાળા કરવાનું પરિણામ હંમેશા કુદરત ઈંટની બદલે પથ્થરના જવાબથી જ આપે છે. (સંદર્ભ સાભાર: TOI, India Today, The Hindu, Safari)

Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

Union Budget 2026–27: Growth with Fiscal Prudence at the Core

How Reading Habits Are Evolving in the Digital Age