અનંતનો જાણકાર ભારતીય ન્યૂટન


ઈંગ્લેન્ડમાં આવેલી વિશ્વ વિખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટીના એક પ્રોફેસર અને ગણિતશાસ્ત્રી ગોડફ્રે હેરોલ્ડ હાર્ડીએ (G. H. Hardy) એકવાર એ સમયના બ્રિટનના ખ્યાતનામ ફિલોસોફર બરટ્રેન્ડ રસેલને મળીને એક વાત કહેલી કે, "અમે ભારતના મદ્રાસમાં એક ન્યુટન શોધી કાઢ્યો છે." હાર્ડીની વાત સાંભળીને આશ્ચર્ય પામેલા રસેલ બોલ્યા કોણ છે એ? મને તેના વિશે જણાવો. તમે કોની વાત કરી રહ્યા છો?

બ્રિટિશ ઇન્ડિયાના મૈસુર સ્ટેટમાં એક બ્રાહ્મણ પરિવાર રહેતો હતો. જેમાં કુપ્પુસ્વામી શ્રીનિવાસ ઐયર એક સાડીઓની દુકાનમાં કામ કરતા હતા. તેમનો માસિક પગાર ખુબ ઓછો હોવાથી ઘર ચલાવવા એમના પત્ની કોમલત્તામલ પણ મંદિરોમાં ભજનો ગાવાનું કામ કરતા હતા. એમને ત્યાં 22 ડિસેમ્બર, 1887ના દિવસે એક દીકરાનો જન્મ થયો. તે બાળપણથી જ શારીરિક રીતે અતિશય નબળો હતો એટલે બીમાર બહુ જ રહેતો. પિતા કુપ્પુસ્વામી આખો દિવસ દુકાનમાં વ્યસ્ત રહેતા એટલે બાળકની દેખભાળની તમામ જવાબદારી માતા કોમલત્તામલ પર રહેતી હતી.

ધીમે ધીમે આ છોકરો મોટો થયો એટલે તેણે સ્થાનિક શાળામાં એડમિશન આપવામાં આવ્યું. ત્યાં ભણાવતા વિષયોમાંથી ગણિત વિષયમાં તેને ખુબ રસ હતો. શાળામાં શિક્ષકો જોતા કે આ છોકરો એના ક્લાસ કરતા ઉપરના ક્લાસના ગણિતના અભ્યાસક્રમમાં આવતા દાખલાઓ ખુબ સરળતાથી ગણી શકતો. એકવાર એના ગણિતના શિક્ષકે કહ્યું કે કોઈ પણ આંકડાને તે જ આંકડાથી ભાગાકાર કરવામાં આવે તો જવાબ હંમેશા 1 જ આવે. શિક્ષકની આ વાત સાંભળીને એ છોકરો ઉભો થયો અને બોલ્યો, "સાહેબ 0 ને જો 0 વડે ભાગીએ તો કેમ જવાબ 1 નથી આવતો?" ફક્ત ત્રીજા ધોરણમાં ભણતા એ 9 વર્ષના છોકરાની વાતનો કોઈ જવાબ એના વિષય શિક્ષક પાસે નહોતો. આ છોકરો એટલે અન્ય કોઈ નહિ પરંતુ શ્રીનિવાસ રામાનુજ. જેને માટે યુરોપિયન દેશોમાં કહેવાતું કે "The man who knows infinity" એટલે કે "અનંતનો જાણકાર".

અતિશય ગરીબીના કારણે આગળનો અભ્યાસ શક્ય નહોતો. પરંતુ એની પ્રતિભાને ઓળખનારાઓની મદદથી રામાનુજનને શિષ્યવૃત્તિ મળતી થઈ ગઈ અને તેમણે આગળનો અભ્યાસ શહેરમાં કરવા માંડ્યો. હવે સમસ્યા એ આવી કે ગણિત સિવાયના અન્ય વિષયોમાં રામાનુજનને જરા પણ રસ નહોતો. તે વાર્ષિક પરીક્ષામાં ગણિત સિવાયના વિષયોમાં નાપાસ થતો. જેના કારણે એની શિષ્યવૃત્તિ રદ થઈ ગઈ. હવે ભણવા માટે કોઈ રસ્તો બાકી ન રહ્યો. શ્રીનિવાસ રામાનુજે આગળનો અભ્યાસ છોડી દીધો. હવે તેઓ સંપૂર્ણપણે ગણિત પર જ કામ કરવા માંડ્યા. અન્ય વિદ્ધાર્થીઓને ટ્યુશન કરાવતા અને વધેલો સમય ગણિતના વિવિધ સૂત્રો પર કામ કરતા હતા.
દરમિયાન રામાનુજનને બીમારીઓ ખૂબ જ રહેતી હતી. દર 2-3 વર્ષે તે મોતના મુખેથી માંડ માંડ પાછા આવતા.

1910માં મદ્રાસના કલેક્ટર વી.રામાસ્વામીને રામાનુજ મળ્યા અને પોતાનું ગણિત પર કરેલું કામ બતાવ્યું. વી. રામાસ્વામી ઇન્ડિયન મેથેમેટિકલ સોસાયટીના ચેરમેન હતા. એમણે રામાનુજનની ગણિત પરની નોટ્સ જોઈ તો એ પણ સમજી ના શક્યા કે રામાનુજ શું કહેવા માંગે છે. જેથી એમણે બીજા 3-4 સારા ગણિતજ્ઞ લોકોની મદદ લીધી અને ખાસ્સો સમય લીધો ત્યારે નોટ્સમાં બતાવેલી ગણતરીઓ અને સૂત્રો સમજી શક્યા. શ્રીનિવાસ રામાનુજનની એક મોટી મર્યાદા એ હતી કે તે ગણિત સિવાયની તમામ બાબતોમાં ખુબ નબળા હતા એમાંની એક હતી કમ્યુનિકેશન સ્કિલ. રામાનુજ ગણિતની તમામ ગણતરીઓને સારી રીતે કરતા પરંતુ તેને અન્યને સમજાવવામાં વધારે તકલીફ પડતી હતી. રામાસ્વામી આ બધું જોયા પછી શ્રીનિવાસ રામાનુજનથી પ્રભાવિત થયા. એમણે ઇન્ડિયન મેથેમેટિકલ સોસાયટીના અન્ય લોકોને પણ આ વાત કરી અને અંતે બધાએ સર્વસંમતિથી રામાનુજને આર્થિક મદદ આપવાનું ચાલુ કર્યું.

સમય રહેતા રામાનુજનની ગણિત પર કરેલા કાર્યની માહિતી કેમ્બ્રિજ યુનિવર્સીટીના ખ્યાતનામ ગણિતજ્ઞ જી. એચ. હાર્ડી પાસે પહોંચી. એમણે પહેલા તો રામાનુજનની નોટ્સને ખાસ ગણકારી નહિ. કારણ કે એ સમયમાં પ્રોફેસર હાર્ડી પાસે વિશ્વના ખૂણે ખૂણેથી લોકો ગણિત પરના પેપર્સ મોકલતા. આ બધામાં મોટા ભાગના પેપર્સ ફ્રોડ રહેતા એટલે પ્રોફેસર હાર્ડીએ પણ ફક્ત ઉપરછલ્લી નજર નાખીને રામાનુજનની નોટ્સ બાજુ પર મૂકી દીધી. રાત્રે એકલા બેઠા હતા ત્યારે એમના મગજમાં સતત એ નોટ્સ ફર્યા કરતી કે જો એ નોટ્સ સાચી હશે તો! એમણે બીજા દિવસે એ નોટ્સ લઈને ફરીથી અભ્યાસ કર્યો તો આશ્ચર્યજનક રીતે જણાયું કે એમા એવા એવા સૂત્રો અને ગણતરીઓ હતી જે ભૂતકાળમાં કોઈએ વિચારી પણ નહોતી. આ પછી પ્રોફેસર હાર્ડી એક કાર્યક્રમમાં રસેલને મળ્યા અને એમણે કહ્યું હતું કે, "અમે મદ્રાસમાં એક ન્યુટન શોધ્યો છે".

રસેલ સાથેની આ મુલાકાત બાદ પ્રોફેસર હાર્ડીએ ભારત સમાચાર મોકલ્યા અને શ્રીનિવાસ રામાનુજનને બ્રિટન આવવા આમંત્રણ મોકલ્યું. અહીં વળી એક નવી સમસ્યા આવી. શ્રીનિવાસ રામાનુજ અયંગર બ્રાહ્મણ હતા અને એ સમયે ભારતમાં એવી માન્યતાઓ હતી કે સમુદ્ર ઓળંગાવો અપશુકનિયાળ કહેવાય છે. આ કારણસર જ રામાનુજને બ્રિટન આવવાનું પ્રોફેસર હાર્ડીનું નિમંત્રણ નકારી દીધું. પ્રોફેસર હાર્ડીએ જયારે રામાનુજની આ વાત જાણી તો એમણે પણ ખુબ આશ્ચર્ય લાગેલું. હકીકતે શ્રીનિવાસ રામાનુજ બાળપણથી ધાર્મિક હતા અને તેઓ દેવી નામગીરી થય્યારની પૂજા કરતા. રામાનુજ કહેતા કે મને સ્વપ્નાઓમાં ગણિતના અઘરા સૂત્રો અને કોયડાઓ દેવીમાં આવીને સૂચવી જાય છે. આ વાત એમણે એક વાર નહિ અનેકવાર જાહેર કરી હતી અને હકીકતે પણ આવું બનતું. ઘણી વાર અતિશય કઠિન ગણતરીઓમાં જયારે રામાનુજ અટકી પડે ત્યારે તે સુઈ જતા અને જયારે ઊંઘમાથી ઉઠે ત્યારે એ જોતા કે જે ગણતરીઓ પહેલા અશક્ય લગતી હતી તે સરળ બની જતી અને એણે સોલ્વ કરવાનો રસ્તો મળી જતો હતો.

થોડા દિવસો બાદ એકવાર શ્રીનિવાસ રામાનુજનના માતા કોમલત્તામલને નામગીરી થાય્યારનું સ્વપ્ન આવે છે અને તેમાં દેવી કહે છે કે તું તારા દીકરાને સમુદ્ર ઓળંગીને વિદેશ જવા દે. એનો જન્મ અસામાન્ય કાર્ય કરવા માટે થયો છે. આ સ્વપ્ન આવ્યા બાદ કોમલત્તામલ રામાનુજનને બ્રિટન જવાની મંજૂરી આપે છે અને 17 માર્ચ, 1914 ના દિવસે બોટમાં બેસીને બ્રિટન જવા નીકળે છે. જે એક મહિના બાદ 14મી એપ્રિલ બ્રિટન પહોંચે છે. ત્યાં પહોંચેલા રામાનુજન હાર્ડી સાથે મળીને ગણિતનું કામ ચાલુ કરે છે. થોડા જ સમયમાં રામાનુજનની પ્રતિભા પારખીને લંડન મેથેમેટિકલ સોસાયટીના ચેરમેન તેને સભ્યતા આપે છે. આ સભ્યતા મેળવનાર તેઓ બીજા ભારતીય હતા. ત્યાર બાદ થોડા જ સમયમાં તેમને રોયલ સોસાયટી ઓફ ઇંગ્લેન્ડના પણ સભ્ય બનાવવામાં આવે છે. બ્રિટનમાં આવ્યા બાદ ગણિત ક્ષેત્રે વૈશ્વિક નામના મેળવે છે પરંતુ એમની તબિયતની સમસ્યા વધતી જાય છે. અને ધીમે ધીમે તેઓ ટ્યુબરક્યુલોસીસ સહિતની અનેક બીમારીઓથી ગ્રસિત થઇ જાય છે. બીમારીથી કંટાળેલા રામાનુજને ટ્રેઈનના પટા પર સૂઈને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કરેલો, જેના કારણે સ્કોટલેન્ડ યાર્ડે એમની ધરપકડ કરી હતી. પ્રોફેસર હાર્ડી વચ્ચે પડીને એમણે છોડાવેલા અને એ પછી 1919માં તેઓ લંડનથી પાછા ભારત આવી ગયા હતા. અહીં 1920ના એપ્રિલની 26 તારીખે અનેક બીમારીઓના કારણે ફક્ત 33 વર્ષની વયે મૃત્યુ પામ્યા હતા.

શ્રીનિવાસ રામાનુજ કહેતા કે હું ઊંઘું છું એટલે મારી સામે એક રક્તનો બનેલો પડદો આવે છે અને તેમાં એક અદ્રશ્ય હાથ આવીને મારી બધી જ ગણિતિક સમસ્યાઓ ગણીને એમાંથી જવાબ મેળવવાનો રસ્તો બતાવે છે. હું જાગીને આ સૂત્રો પર કામ કરુ એટલે ગમે તેવી જટિલ ગણતરીઓ હોય હું એ ઉકેલી શકું છું. શ્રીનિવાસ રામાનુજે શોધેલા ગાણિતિક સૂત્રોનો ઉપયોગ બ્લેકહોલ , બિગ બેંગ સહીતના બ્રહ્માંડના રહસ્યો સમજવા માટે આજે પણ ભૌતિકશાસ્ત્રીઓ અને બીજા અનેક વિદ્વાનો કરે છે.

Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

Union Budget 2026–27: Growth with Fiscal Prudence at the Core

How Reading Habits Are Evolving in the Digital Age