સ્ટીવ જોબ્સ: Stanford Speech
સ્ટીવ જોબ્સને લગભગ દુનિયાના દરેક લોકો સીધી કે આડકતરી રીતે જાણતા હશે. ખુદને કેન્સર હોવાની જાણ થયાના બેએક વર્ષ બાદ જૂન 12, 2005 ના દિવસે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના શૈક્ષણિક વર્ષના પ્રારંભે આપેલું ભાષણ એમનું સર્વશ્રેષ્ઠ ભાષણ હતું. આ ભાષણમાં પોતાની જીંદગીની ઘણી અજાણી વાતો એમણે એ દિવસે કહી હતી. એક ફેસબુક પોસ્ટમાંથી તારવેલા કેટલાક અંશો...
"આજે દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીમાં આપ આપના ભણતરની શરૂઆત કરી રહ્યા છો ત્યારે આપની વચ્ચે ઉપસ્થિત રહેવું એ મારું સૌભાગ્ય છે. હું ક્યારેય કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયો નથી. આજે હું આપને મારા જીવનની ત્રણ વાતો કહીશ.
પ્રથમ વાત છે બિંદુઓને (ભૂતકાળની ઘટનાઓને) જોડવાની. મેં પોર્ટલેન્ડ ઓરેગોનમાં આવેલી રીડ કોલેજને મારા શિક્ષણની શરૂઆતના છ મહિનામાં જ છોડી દેવાનું વિચાર્યું પણ તેમ છતાં 18 મહિના સુધી અનિયમિત રીતે હું કોલેજમાં જતો હતો. મેં કોલેજ કેમ છોડી? મારા જન્મ પહેલાં મારી માતા કે જે કોલેજ ગ્રેજ્યુએટ હતી તેણે મને દત્તક આપી દેવાનું વિચારેલું. એમની શરત હતી કે મને દત્તક લેનાર માતા પિતા ફરજિયાત કોલેજ ગ્રેજ્યુએટ હોવા જોઈએ. બધું સરસ રીતે ગોઠવાઈ ગયું અને મને દત્તક લેવા એક વકીલ અને તેના પત્ની તૈયાર થયા. પરંતુ જ્યારે મારો જન્મ થયો ત્યારે તેમણે અચાનક કહ્યું કે તેમને છોકરો નહિ પણ છોકરી જોઈએ છે. હવે મારા હાલના મા બાપ કે જે વેઇટિંગ લિસ્ટમાં હતા તેમના પર અડધી રાત્રે ફોન આવ્યો અને પૂછ્યું કે, શું તમે એક બાળકને દત્તક લેવા માંગો છો? તો તેમણે હા પાડી. પણ પછીથી મને જન્મ આપનારી મા એ જાણ્યું કે મને દત્તક લેનાર માતા ગ્રેજ્યુએટ નથી અને પિતા હાઈસ્કૂલમાં પણ ગયા નથી આ કારણોસર મને જન્મ આપનારી માતાએ ના પાડી. થોડા સમય બાદ મને દત્તક લેનાર મમ્મી પપ્પા મને કોલેજમાં ગ્રેજ્યુએશન માટે મોકલશે એ વાતે સહમત થયા પછી જ તેમણે હા પાડી.
આમ 17 વર્ષની ઉંમરે હું કોલેજમાં ગયો. મેં એવી કોલેજ પસંદ કરી જે સ્ટેનફર્ડ કોલેજ જેટલી જ મોંઘી હતી. મારા મમ્મી પપ્પાની તમામ બચત મારા કોલેજના ખર્ચમાં વપરાઇ જતી હતી. છ મહિના બાદ મને લાગ્યું કે કોલેજ મને કોઈપણ રીતે મદદ કરી શકશે નહીં. બીજી બાજુ મારા મમ્મી પપ્પાની જીવનભરની બચત કોલેજની ફીમાં વપરાઇ જતી હતી. જેથી મેં કોલેજ છોડી દેવાનું વિચાર્યું અને ફરજિયાત હતા એ બધા ક્લાસમાં જવાનું બંધ કરીને મને ગમતા ક્લાસમાં જ જવા લાગ્યો. આ બધું સરળ ન હતું. મારી પાસે રહેવા માટેની જગ્યા પણ ન હતી. જેથી મારા મિત્રોના રૂમમાં જમીન પર સુઈ રહેતો. કોકાકોલા ની બોટલો ભેગી કરીને ભંગારવાળાને વેચતો અને તે પૈસાથી જમતો. દર અઠવાડિયે રવિવારે સાત માઈલ ચાલીને એક ટાઈમના સારા ભોજન માટે હરેકૃષ્ણ ટેમ્પલમાં જમવા માટે જતો. મને ત્યાં મજા આવતી અને મારામાં જિજ્ઞાસાવૃત્તિ જાગતી જેનો મને ઘણો ફાયદો થયો.
રીડ યુનિવર્સિટી એ સમયે દેશભરમાં સૌથી સારા કેલીગ્રાફીના ક્લાસ ચલાવતી હતી. હવે હું કાયમી વિદ્યાર્થી ના હોવાના કારણે બીજા ક્લાસ ડ્રોપ કરીને આ કેલીગ્રાફીના ક્લાસમાં જ જતો હતો. જોકે આનો મને વ્યવહારિક જીવનમાં કોઇ ફાયદો ન થયો. પણ દસ વર્ષ પછી જ્યારે અમે પ્રથમ મેકિનટોશ કમ્પ્યુટર બનાવતા હતા ત્યારે આ વસ્તુ કામ લાગી. અમારા બનાવેલા મેક કમ્પ્યુટરમાં સુંદર અક્ષર લેખન હતું. જો મેં એ કોલેજ છોડીને કેલીગ્રાફી ક્લાસીસ ન કર્યા હોત તો કદાચ મેક કમ્પ્યુટર આટલા સુંદર અક્ષરો ટાઈપ કરતા ન હોત. હવે આટલા વર્ષો બાદ મારા જીવનમાં બનેલી એ તમામ ઘટનાઓને એકબીજા સાથે જોડવાથી સરસ ચિત્ર બને છે. બાકી 10 વર્ષ પહેલા બનેલી એ તમામ ઘટનાઓ મારા માટે એ સમયે નિરર્થક જ હતી. પોતાના જીવનના પ્રારબ્ધ,સાહસ અને કર્મ ઉપર દરેકે વિશ્વાસ રાખવો જોઈએ. આ અભિગમે જ મને મારા જીવનમાં અલગ બનાવ્યો.
બીજી વાત છે નુકસાન અને પ્રેમની. હું નસીબદાર છું કે મને શું ગમે છે તેને મેં જલદી જાણી લીધું. 20 વર્ષની ઉંમરમાં મેં અને સ્ટીવ વોઝનીઆકે મારા પિતાના ગેરેજમાં એપલ કંપનીની સ્થાપના કરી. અમારી સખત મહેનતના કારણે 10 વર્ષને અંતે એપલ કંપની શરૂઆતના માત્ર 2 કર્મચારીઓમાંથી હજારો કર્મચારીઓ ધરાવતી અને બિલિયન ડોલર્સનું મૂલ્ય ધરાવતી કંપની બની. અમે અમારું શ્રેષ્ઠ મેકિનટોશ કમ્પ્યુટર બનાવ્યુ હતું એના બીજા જ વર્ષે મારી 30 વર્ષની ઉંમરમાં મને કંપનીમાંથી કાઢી મૂકયો. મારી જ બનાવેલી કંપનીમાંથી મને કોઈ કેવી રીતે કાઢી શકે? મેં કોઈ એવા વ્યક્તિ સાથે કામ કરવાનું પસંદ કર્યું જેના ઉપર મને વિશ્વાસ હતો. સમય જતાં અમારી વચ્ચે મતભેદ થયા અને બોર્ડ ઓફ ડિરેક્ટરે તેનો સાથ આપ્યો અને મને કાઢી મૂકયો. આ ઘટના મારા માટે બહુ ભયંકર હતી હું બધી રીતે તૂટી ચૂક્યો હતો. કદાચ એપલમાંથી કાઢી મૂક્યો તે મારા જીવનની સૌથી શ્રેષ્ઠ ક્ષણ હતી કેમ કે હું સફળતાના શિખરેથી પાછો નવી શરૂઆતના આયામો પર પટકાયો હતો. પછીના પાંચ વર્ષોમાં મેં બે કંપનીઓ NexT અને Pixer બનાવી તેમજ એક સુંદર સ્ત્રીના પ્રેમમાં પડ્યો જે મારી પત્ની બની. Pixer toy story નામની દુનિયાની સર્વ પ્રથમ કમ્પ્યુટર બેઝ એનિમેશન સિરીઝ બનાવનારી કંપની બની. અચાનક એક વળાંક આવ્યો અને એપલે NexTને ખરીદી લીધી મેં બનાવેલી NexTની ટેકનોલોજી આજે એપલમાં વપરાતી મુખ્ય ટેકનોલોજી છે.
હું ચોક્કસપણે કહી શકું કે જો એપલમાંથી મને કાઢી મૂકવામાં ન આવ્યો હોત તો આ કંઈ બન્યું ન હોત. એ કસોટીની ક્ષણો હતી પણ એમાં ધીરજ મહત્વની હતી. ઘણી વખત જીવનમાં અણધાર્યા બનાવ બને છે પણ આપણે આપણી જાત ઉપર ભરોસો રાખવો પડે છે. મને જે ગમતું હતું તે મેં કરવાનું ચાલુ રાખ્યું એટલે હું ટકી શકયો. આપણો વ્યવસાય એ આપણા જીવનનો સૌથી મોટો ભાગ છે એટલે ગમતી પ્રવૃત્તિ વ્યવસાય તરીકે અપનાવો. જો એવો વ્યવસાય ના શોધી શક્યા હોય શોધખોળ ચાલુ રાખો એક દિવસે તમે ચોક્કસપણે શોધી લેશો પણ અટકશો નહીં.
ત્રીજી વાત મૃત્યુ વિશે છે. હું જ્યારે 17 વર્ષનો હતો ત્યારે એક વાક્ય વાંચ્યું હતું, "જીવનના દરેક દિવસને અંતિમ દિવસ ગણીને જીવો અને એક દિવસે તમે સાચા પડશો." અને છેલ્લા 33 વર્ષથી હું રોજ સવારે અરીસામાં જોઈને વિચારું છું કે જો આ મારા જીવનનો અંતિમ દિવસ હોય તો શું હું એ કામ કરું જે હાલ કરવા જઈ રહ્યો છું? જ્યારે આ સવાલનો જવાબ સતત અમુક દિવસો સુધી "ના" એવો મળે તો હું માની લઉં છું કે મારે થોડાક બદલાવની જરૂર છે. મૃત્યુ ખૂબ નજીક છે એ વિચાર મને મારા જીવનમાં ઘણા મહત્વના નિર્ણય લેવામાં મદદ કરે છે. કારણ કે મૃત્યુ તમામ અભિમાન, બાહ્ય અપેક્ષાઓ અને મૂંઝવણો પૂરી કરી દે છે. મૃત્યુ કશુંક ગુમાવી દેશો એવો મનમાં રહેલો ડર દૂર કરી દે છે અને આપણે આપણા મનમાં રહેલી વાતને આસાનીથી અનુસરી શકીએ છીએ.
એક દિવસ સવારે 7.30 વાગે ડોક્ટરે મને કેન્સર હોવાનું જણાવ્યું. રિપોર્ટમાં મારા પેન્ક્રીયાઝ ઉપર ટ્યુમર સ્પષ્ટ દેખાતું હતું જયારે મને પેન્ક્રીયાઝ એટલે શું એ પણ ખબર નહોતી. ડોક્ટરે કહ્યું કે આ કેન્સર મટાડી શકાય તેમ નથી અને મારી પાસે માંડ છ મહિના જેટલો સમય છે હવે મારે ઘરે જઈને બધું વ્યવસ્થિત કરી દેવું જોઈએ જેથી મારા પરિવારને મારા ગયા પછી કોઈ તકલીફ ના પડે. આનો સ્પષ્ટ અર્થ એ હતો કે મારે મૃત્યુ માટે તૈયાર થઈ જવું અને બધાને અલવિદા કહી દેવું. આગામી 10 વર્ષ માટે મેં જે કંઈ વિચાર્યું છે એ બધું માત્ર 6 મહિનામાં કરી દેવું. આ મૃત્યુની અત્યંત નજીકની પળ હતી. કોઈ મરવા નથી માંગતું. અરે જેને સ્વર્ગમાં જવું છે એ પણ મરવા તૈયાર નથી છતાં મૃત્યુ એક એવું આયામ છે જ્યાં આપડે બધા પહોંચવાના છીએ. કોઈ મૃત્યુથી બચી શક્યું નથી જીવનનું અંતિમ સત્ય છે મૃત્યુ. મૃત્યુ જૂનું શરીર ત્યાગીને નવું શરીર મેળવવાનો માર્ગ છે. હાલ તમારુ શરીર નવું છે કદાચ એ કાલે જૂનું પણ થશે અને મૃત્યુ પામશે. હું દિલગીર છું પણ આ એક સત્ય છે.
તમારો સમય ખુબ મર્યાદિત છે તેને બીજાના અભિપ્રાયો મુજબ જીવવાનું છોડી દો. અન્યની વાતોથી તમારા અંતરાત્માના અવાજને દબાવવા ના દેશો. તમારા અંતરાત્માને અનુસરો અને એ કહે એમ કરો બીજું બધું ગૌણ છે.જયારે હું નાનો હતો ત્યારે અમારા સમયમાં "Whole earth catalogue" નામનું પ્રકાશન હતું જે અમારા સમયનું બાઇબલ હતું. એ આજથી 35 વર્ષ પહેલા કાગળ પર બનાવેલા ગુગલ જેવું હતું. અમુક સુધારાઓ બાદ 1970 માં સ્ટીવાર્ટ અને એની ટીમે "Whole earth catalogue" ફરીથી રિલીઝ કર્યું જેના અંતિમ પાના પર વહેલી સવારની પગદંડીનું ચિત્ર હતું. આ ચિત્રના નીચે શબ્દો લખેલા હતા "Stay Hungry, Stay Foolish". આ શબ્દો કેટલોગ પૂર્ણ થયું એવું દર્શાવવા સ્ટીવાર્ટ દ્વારા લખાયા હતા.
આજે તમે ગ્રેજ્યુએટ થઈને નવી શરૂઆત કરવા જઈ રહ્યા છો ત્યારે હું પણ તમને શુભેચ્છા સાથે કહું છું "Stay Hungry, Stay Foolish". (સંદર્ભ સાભાર: ફેસબુક પોસ્ટ)
Comments
Post a Comment