દસ આંકડાના મોબાઈલ નંબરનું 'દસ નંબરી' નેટવર્ક


વાતમાં કેટલું તથ્ય હોય એ તો ખબર નહિ પરંતુ એક અહેવાલ વાંચતા જાણવા મળ્યું કે વર્ષો પહેલાં દિલ્હીના એક કાર્ડિઓલોજિસ્ટ ડોક્ટરને એક વખત અડધી રાતના સમયે ભર ઊંઘમાં ઓચિંતુ સરપ્રાઇઝ મળ્યું. જોકે ભારતના લાખો લોકો આ સરપ્રાઇઝ મેળવી ચૂક્યા છે અને દ૨૨ોજ હજારો લોકો મેળવે પણ છે. વાત એમ હતી કે એ રાત્રે ડોક્ટરનો મોબાઇલ ફોન રણક્યો, પણ ફક્ત ત્રણ રિંગ વાગ્યા પછી બંધ થઈ ગયો. ફક્ત ત્રણ રિંગ જ વાગે તે સંભવિતપણે ચેતવણીની ઘંટી હોય તેનો કાર્ડિઓલોજિસ્ટ ડોક્ટરને કોઈ ખ્યાલ નહિ. ડોક્ટર હોવાના નાતે રાત્રે ઈમરજન્સીમાં કોઈ દર્દીનો ફોન હોવાનું ધારી તેમણે સ્ક્રીન પર ચમકેલા એ નંબર પર સામો ફોન કર્યો કે જેના પ્રથમ અંકો (Country Code) +92 હતા. દર્દીના બદલે અજાણી જ વ્યક્તિ નીકળી, જેની સાથે વાતચીત શરૂ કર્યા પછી તેને વધુ લંબાવવાનું ફોગટ જણાતા ડોકટરે સંપર્ક કાપી નાખ્યો. ‘ટોક ટાઇમ’ એકાદ મિનિટ જેટલો માંડ હતો, પણ ત્યાર પછી ડોક્ટરે મોબાઈલ સ્ક્રીન પર balance alert માં જોયું તો કોલ ચાર્જ તરીકે રૂ. 165 ઓછા થયા હતા.

આ પ્રકારનો જ ભારે કે હળવો આંચકો જેમને મળ્યો હોય તે પૈકી ઘણાને આવા missed calls મોકલતા લોકોનો આશય સમજમાં આવતો હોતો નથી. મોબાઇલની ફક્ત ત્રણ રિંગ જ શા માટે વગાડવામાં આવે છે અને વળતા ફોન કોલની અપેક્ષા શા કારણસર રખાય એવો સવાલ થાય છે. જવાબમાં પહેલી જાણવાલાયક બાબત એ કે પાકિસ્તાન, સિએરા લોન તથા બેલારૂસ એ ત્રણ દેશોમાં મોબાઇલ ફોનને લગતાં મોટાં ષડયંત્રો ચાલે છે, માટે રિંગ વાગ્યા પછી તેમના country code જો સ્ક્રીન પર દેખાય તો ચેતી જવું જોઇએ. પાકિસ્તાનનો કોડ +92 છે, આફ્રિકી દેશ સિએરા લોનનો +232 છે અને સોવિયેત રશિયાનું ભંગાણ થયું ત્યારે સ્વતંત્ર દેશ તરીકે છૂટા પડેલા બેલારૂસનો કોડ +375 છે. ત્રણેયનું મોબાઇલ નેટવર્ક ગાફેલ ભારતીયો માટે અત્યંત ભેદી એવું કરોળિયાજાળ જેવું બન્યું છે. નીચેની જણાવેલી ત્રણ રીતે જાણીએ તો, મોબાઇલ ફોનની સર્વિસ પ્રોવાઇડર કંપનીઓ વચ્ચે તીવ્ર સ્પર્ધાને કારણે મિનિટદીઠ ચાર્જ સતત ઘટતો જાય છે. હરીફાઇમાં ટકી રહેવું હોય તો ભાવ કાપ્યા વગર કંપનીઓનો છૂટકો નથી કારણ કે સામે ગ્રાહકવર્ગ એટલો મોટો છે. આંતરદેશીયને બદલે આંતરરાષ્ટ્રીય કોલ માટે સહેજ વધુ ચાર્જ વસૂલ કરી શકાય છે એ આપણે જાણીએ છીએ. સર્વિસ પ્રોવાઇડરે એવું દેશ-ટુ-દેશનું જોડાણ સ્થાપી આપવા માટે બહુ વધારે ખર્ચ પણ કરવો પડતો નથી, કેમ કે પૂર્વ જરૂરિયાત માટેનું ઢાંચાગત નેટવર્ક તૈયાર જ હોય છે. સિગ્નલો તેમાં ૫૦૦ કિલોમીટરનું અંતર કાપે કે ૫,૦૦૦ કિલોમીટરનું અંતર કાપે તેનાથી કશો ફરક પડે નહિ. ભારતની સિક્યોરિટી એજન્સીઓને પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર પાકિસ્તાનમાં સંગઠિત ટોળકીઓ ત્યાંનાં નેટવર્કને ભારતમાંથી ફોન કોલના ‘બિઝનેસ’ લાવી આપી તેના પર કમિશન મેળવે છે. આમ પણ નેટવર્કને કોઈ ભૌગોલીક સરહદો નડતી હોતી નથી. એટલે જ તો ભારતની કેટલીક ટીવી ચેનલોનું તેમજ રેડિયોનું પ્રસારણ સરહદ પાર પણ પકડી શકાય છે. મોબાઇલનું પ્રસારણ મોકલતા નેટવર્ક કરતાં પ્રસારણ મેળવતા નેટવર્કના ભાગે વધુ પૈસા આવે, માટે પાકિસ્તાની ગઠિયાઓ વળતો ફોન કોલ મેળવવાની ગણતરીએ ફક્ત ત્રણ રિંગ વગાડીને લાઇન કાપી નાખે છે. દિલ્લીના કાર્ડિઓલોજિસ્ટ ડોક્ટર જેવો પ્રત્યેક ભારતવાસી પોતે જ ત્યાર બાદ કુતૂહલનો માર્યો +92 વાળા નંબરનો ફોન જોડી અજાણતા પોતાનું ખિસ્સું વેતરાવી નાખે છે. આ જાતનો ધંધો અમુક હદે સિએરા લોન (+232) અને બેલારૂસ (+375) દેશોના લોકો પણ કરી રહ્યા છે.

બીજું એ કે પાકિસ્તાનની કુખ્યાત અને નામચીન ગુપ્તચર સંસ્થા ISI - ઇન્ટર સર્વિસિસ ઇન્ટેલિજન્સ ભારતનાં જુદાં જુદાં શહેરોમાં તથા ગામોમાં રહેતા ફોનધારકોને લગતો ડેટાબેઝ બનાવવા માટે missed calls કરાવે છે. ભારતના નાગરિકો ઉપરાંત હોસ્પિટલો, ટ્રાવેલ એજન્સીઓ, મોટર ગેરેજ, હોટલો વગેરે પણ ISI ના નિશાન પર હોય એ સ્વાભાવિક છે. ભારતમાં આતંકવાદી હુમલાનું મિશન હાથ ધરવાનું હોય ત્યારે ISI તેના ડેટાબેઝમાંથી અમુક ચોક્કસ નંબરો તારવી ફોન કરાવે છે. ગણતરીપૂર્વકનો વાર્તાલાપ પણ ગોઠવે છે. આની પાછળનો આશય હુમલા બાદ તપાસકાર્ય શરૂ કરતા ભારતના પુલિસતંત્રને તથા એન્ટિ-ટેરરિસ્ટ સ્ક્વોડને ભળતી દિશાઓ તરફ દોરી જવાનો હોય છે. દા.ત. મુંબઇ પરના 26/11 હુમલા પહેલાં પાકિસ્તાનમાંથી ભારતના અનેક મોબાઇલ નંબરો પર ફોન કોલ્સ આવ્યા, એટલે એ દરમિયાન કરવામાં આવેલા તમામ ફોલ કોલમાંથી આતંકખોરોના ફોન કોલ્સને જુદા તારવવાનું કામ તપાસ કરનારી એજન્સીઓ માટે કઠિન બન્યું.

મોબાઇલ ફોન ધરાવતી ભારતીય વ્યક્તિને કથિત લોટરીનો જેકપોટ લાગ્યાનો જે કોલ આવે તેનું ઉદ્ભવસ્થાન આમ તો મોટા ભાગે સિએરા લોન (+232) કે બેલારૂસ (+375) હોય છે. ઘણી વાર જો કે પાકિસ્તાન (+92) પણ હોય છે. અંગ્રેજી લેબલ Nigerian Scam તરીકે ઓળખાતું તે ષડયંત્ર કેટલી વ્યવસ્થિત અને વિસ્તૃત રીતે ચાલી રહ્યું છે તેનો ખ્યાલ આપતો નમૂનેદાર કિસ્સો અમુક વર્ષ પહેલાં અમદાવાદમાં જ બન્યો. સેટેલાઇટ વિસ્તારમાં રહેતા સજ્જનને તેમના બે જુદા બેન્ક એકાઉન્ટ્સના સ્ટેટમેન્ટ ઉપરાંત તેમના દીકરાના નામવાળા ત્રીજા બેન્ક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ પહેલીવાર મળ્યું. બેશક તેમને એ નામનો દીકરો જ નથી.

ભારતમાં ધૂમ ચાલતા Nigerian Scamમાં કાર્યપદ્ધતિ એ છે કે બહુમાળી મકાનમાં રહેતી વ્યક્તિનું ઇલેક્ટ્રિસિટી બિલ ભોંયતળિયાના પોસ્ટલ બોક્સમાંથી ગૂપચૂપ તફડાવો, નજદીકી બેન્કમાં પુરાવા તરીકે બિલ રજૂ કરી એકાઉન્ટ ખોલાવો, બીજા ૨ાજ્યના કોઈ મોબાઇલ ધારકને લોટરીનો જેકપોટ લાગ્યાનું કહી ‘પ્રોસેસિંગ ચાર્જ’ પેટે રૂ. 15000 થી રૂ. 25000 જેટલી અમુક યા તમુક ૨કમ તેને જમા કરાવવાનું કહો અને પછી તે નાણાં ATM દ્વારા ઉપાડી હવાલા મારફત પરદેશ મોકલી દો. હવે આ ધીંગાણામાં કડીરૂપ દેશ નાઇજિરિયા છે. આમ આ બધા પરથી એટલું તો સમજી જ શકાય અને વાતનો સર એ નીકળે કે મોબાઇલની રિંગ વાગે ત્યારે સ્ક્રીન પર નામને બદલે માત્ર નંબર ચમકે તો પ્રત્યુત્તર આપતા પહેલાં તેના પ્રારંભિક અંકો ચેક કરી લેવા જ હિતાવહ છે. હવે તો જોકે ભારતમાં જ એરટેલ જેવી કંપનીઓ આ બધુ રોકવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પોતાના નેટવર્ક સાથે જોડી આવા ફેક કૉલ્સ માટે જ્યારે આપણા ફોનમાં રિંગ વાગે ત્યારે જ ચેતવણીદર્શક લાલ રંગની સ્ક્રીન દર્શાવીને ફોન ઉપાડતા આવનારા જોખમ માટે સાવધાન કરે છે. 

Comments

Popular posts from this blog

અસરદાર સરદાર @150

Union Budget 2026–27: Growth with Fiscal Prudence at the Core

How Reading Habits Are Evolving in the Digital Age