રેતીમાં ખેતી કરી એણે, વાતા 'તા પવન ત્યાં પછેડી કરી એણે...
ભારતના કુલ ખેડૂતોમાંથી લગભગ 80% જેટલા ખેડૂતો નાના ધારકો છે કે જેમની પાસે બે હેક્ટર કે તેથી ઓછી જમીન હોય. આ ઉપરાંત કુલ ખેડૂતોના 19% જેટલા ખેડૂતોને જ ટ્રેક્ટર પરવડી શકે છે. વધુમાં ભારતના ખેડૂતો પાસે પાકની ઉપજ વધારવાના તથા સુધારવાના માધ્યમોનો ઘણો અભાવ છે. તેમજ જમીનની તંદુરસ્તીને સમજવાની માહિતીનો પણ અભાવ જોવા મળે છે. આ ઉપરાંત આધુનિક સિંચાઇ પદ્ધતિનો ઉપયોગ અને તે અંગેની પૂરતી માહિતી પણ છેવાડાના ખેડૂતને નથી હોતી. આવા અનેક પરિબળોના લીધે છેવટે ખેડૂતોને તથા કૃષિક્ષેત્રને આર્થિક નુકસાનનો બોજો વહન કરવાનો વારો આવે છે. જેના કારણે અર્થતંત્રને પણ માઠી અસર પહોંચે છે. જ્યારે યુએસ, ચીન, ઈઝરાયેલ (જ્યાં પાણીનાં પણ ફાંફાં છે) જેવા દેશો યોગ્ય ટેક્નોલોજીનો ઉપયોગ કરી કૃષિક્ષેત્રે આપણાં કરતાં ઘણા આગળ છે. આગળ આવવા માટે આપણે ખેતીની વર્ષો જૂની પરંપરાગત પદ્ધતિઓને કોરાણે મૂકી દેવાની તાતી જરૂરિયાત છે.
આજે સમાજના દરેક વર્ગના લોકોની માથાદીઠ આવકમાં વધારો થયેલો જોવા મળે છે. પરંતુ વર્ષો પહેલા ખેડૂતને તેની ઉપજના જે ભાવ મળતા હતા એ જ ભાવ આજે પણ મળે છે. આઝાદી પછીથી આજ સુધી ખેડૂતોની આવકમાં મામૂલી એવો 19% નો વધારો થયો છે. સામે પક્ષે ખેતીના ખર્ચમાં ખાતર, પાણીથી લઈને વીજળી તેમજ બિયારણ સહિત તમામમાં ધરખમ વધારો થયેલો જોવા મળે છે. આજે પરિસ્થિતિ એવી છે કે ખેડૂત દિવસ રાત મહેનત કરીને વાવીને અને લણીને કોઈ પાક તૈયાર કરે અને જ્યારે એ પાકને બજારમાં વેચવાનો સમય આવે ત્યારે એ પાકના ભાવ એટલા ઓછા હોય કે ખેતરથી માર્કેટ સુધી લઈ જવાના ભાડાના પૈસા પણ નથી નીકળતા હોતા. પછી હતાશાનો માર્યો જાહેરમાં જ તેને રસ્તે રઝળતો કરી દે છે. તો વળી અધૂરામાં પૂરું ક્યારેક એવા ભાવ મળે કે માંડ માંડ એના ખર્ચાઓ નીકળતા હોય અને થોડી ઘણી બચત થતી હોય ત્યાં આવા કમોસમી વરસાદના આવવાથી બધી જ આશા પર પાણી ફરી વળે છે. સરકાર તરફથી સહાયના નામે કરોડોના પેકેજ તો જાહેર થાય છે પણ ખેડૂતોના નુકસાનની સામે એ ચણા મમરા જેવું છે. નરી ભીખ સિવાય કંઈ વધારે મળતું નથી. મહારાષ્ટ્રના પાલઘરમાં બાબુરાવ પાટીલ નામના એક ખેડૂતનો 11 એકરનો પાક નષ્ટ થયો તો સરકાર તરફથી સહાયની ભદ્દી મજાકના નામે માત્ર 2.30 રૂપિયા મળ્યા (Source: PTI).
સરકાર કોઈપણ હોય, ખેડૂતો દરેક પક્ષના ઘોષણાપત્રમાં સામેલ હોય છે. પરંતુ વાસ્તવિકતામાં તેમના માટે કોઈ કામ જ નથી થતું. ભારતની પ્રવર્તમાન (દરેક રાજ્યોમાં) ખેતીની પ્રણાલી પ્રમાણે જ્યારે કોઈ ખેડૂત વર્ષ આખુ મહેનત કરીને કોઈ ઉપજ તૈયાર કરે છે અને બજારમાં પોતાની ઉપજ વેચવા માટે જાય ત્યારે તેના માટે મુખ્યત્વે ત્રણ પદ્ધતિઓ છે કે જેના દ્વારા તે ઉપજ બજારમાં વેચી શકે છે. પ્રથમ છે લોકલ બજાર. દ્વિતીય છે APMC (Agriculture Product Market Committee) અને તૃતીય છે MSP (Minimum Support Price). ખેડૂત પાસે ખૂબ ઓછા પ્રમાણમાં ઉપજ હોય તો તે પોતાની રીતે લોકલ વ્યાપારી પાસે જઈને વેચી શકે. પરંતુ જ્યારે ક્વિન્ટલ દીઠ અનાજ હોય તો તેના સંગ્રહ માટે એક માળખાગત સુવિધા જોઈએ. જેમ કે કોલ્ડ સ્ટોરેજ, વેર હાઉસ વગેરે.. કે જે ખૂબ ખર્ચાળ છે. કોઈપણ ખેડૂતને આવી માળખાગત સુવિધા ઊભી કરવી ન પોસાય. જેથી સરકારે વચ્ચેનો માર્ગ અપનાવી APMC ની રચના કરી કે જે આ બધી સુવિધાઓ ખેડૂતો માટે પૂરી પાડે અને જે રાજ્ય સરકાર દ્વારા સંચાલિત હોય. તેનું મુખ્ય કાર્ય વેચનાર (ખેડૂતો) અને ખરીદનાર બંનેને એક જગ્યાએ ભેગા કરી પાકની બોલી લગાવી ખેડૂતોની સરળતા માટે સુમેળ બેસાડવાનો હતો. પણ સમય રહેતા ખેડૂતો માટે બનાવેલ APMC જે તે સરકારોના પપેટની જેમ વર્તવા લાગી. Times of India ના અહેવાલ પ્રમાણે આશરે 90,000 કરોડ રૂપિયાનું નુકશાન થયેલ એ પણ માળખાગત સુવિધાઓ ન હોવાના કારણે. આમ, ખેડૂતોની દયનીય હાલત પાછળનું કારણ પણ આ જ છે. APMC માં જ દલાલો અને વ્યાપારીઓ અંદરોઅંદર જ સાંઠગાંઠ કરી લે છે અને ખેડૂતોને ઉપજના મૂળ ભાવ કરતા ઓછા ભાવ મળે છે. કારણ કે દલાલનું પણ 6% નું કમિશન હોય છે. બધા રાજ્યોમાં અલગ અલગ છે પરંતુ સરેરાશ 6% લઇએ તો 100 રૂપિયાનું ટામેટું વેચવામાં આવે તો 94 રૂપિયા ખેડૂતને મળવા જોઈએ અને 6 રૂપિયા દલાલને. મોટા ભાગે દલાલ જ ખેડૂત પાસેથી આખી ઉપજ ખરીદ કરી લે છે અને આગળ એ જ ઉપજ મોંઘભાવે વેચે છે. આમાં વચેટિયો વધારે કમાય છે. આ આખી પ્રણાલી નિરંકુશ રીતે ચાલે છે.
APMC માં કોઈની યોગ્ય દેખરેખ ન રહેતા સરકાર MSP નો વિકલ્પ લાવી. આના માટે સરકારે એવો ઠરાવ પસાર કર્યો કે MSP દ્વારા જે લઘુતમ ભાવ નક્કી થાય તેના કરતાં ખેડૂતને ઓછો ભાવ નહિ મળે. જો બજારમાં ઓછો ભાવ મળતો હોય તો ખેડૂત MSP દ્વારા સરકારને પોતાની ઉપજ વેચી શકે છે. પરંતુ આની મોટી કમઠાણ એ છે કે તે દરેક ઉપજ માટે નથી. માત્ર 22 એવી ઉપજ છે કે જેને MSP દ્વારા વેચી શકાય છે. પરંતુ MSP ના આવવાથી પણ ખેડૂતોની ન આવક વધી કે ન તેના પ્રશ્નો હલ થયા. MSP ના આવવાથી વ્યાપારીઓએ MSP ના નક્કી કરેલા ભાવ કરતા વધારે ભાવ આપવાનું જ બંધ કરી દીધું. APMC માં પણ હરાજી વખતે MSP ના નક્કી કરેલા ભાવ આસપાસ જ બોલી લગાવવામાં આવતી હોય છે. આવું બધું ચાલતા Minimum Support Price છેવટે Maximum Support Price થઈ ગયું. કોઈ તેનાથી વધારે ભાવ આપવા તૈયાર જ હોતું નથી. કેમ કે તેના ભાવ દરેક રાજ્યમાં સરખા રહે. MSP એ FCI (ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા) દ્વારા સંચાલિત હોય, ખેડૂતે ત્યાંના ધક્કા ખાવા પડતા હોય છે. જેમાં સમયની બરબાદી થતા ઉપજ બગડવાના ભયે તેના ભાવ ઘટવા લાગે અને જેથી ખેડૂતોની અંતે તો પાયમાલી જ થાય છે.
મોટા મોટા ઉદ્યોગોને પણ સરકાર અબજો રૂપિયાની સબસીડી આપે છે. કરોડો રૂપિયાની લોન માફ કરી દેવામાં આવે છે. પરંતુ ચૂંટણી વખતે ઘોષણાપત્રમાં ખેડૂતો માટે જે વચનોનો વાયદો કરવામાં આવ્યો હોય છે તેનો સરેઆમ ઉલાળીયો થતો જોવા મળે છે. દર વખતે તમામ રાજકીય પક્ષો ખેડૂતોને મદદ કરવાનું નર્યું નાટક જ આદરે છે. એકાદ બે કુદરતી આપદા આવે એટલે મને-કમને રાહત પેકેજ જોરશોરથી જાહેર કરવામાં આવે છે. પરંતુ મહિનાઓ સુધી ખેડૂતોને તેનો લાભ મળતો હોતો નથી. છેવાડાના ખેડુતો તો કાયમને માટે સહાય.. સોરી, ભીખથી વંચિત જ રહે છે.
આ વખતે દિવાળી પછીના કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થઈ ગયા ને બધો જ પાક જમીન સાથે ધોવાઈ ગયો. આવા સંજોગોમાં ખેડૂતોને સમૃધ્ધ બનાવવા સરકારે કોઈ નક્કર અને લાંબા ગાળાના પગલાં લે અને ખેડૂતોની પીડાનો કાયમી ઉકેલ આવે એવી અભ્યર્થના...
Comments
Post a Comment