દિલ્હી: Peace કે Pieces? જેહાદના નામે બદલાતી જગ્યા
સમગ્ર ઘટનામાં જે કંઈ થઈ રહ્યું છે અને થવાનું હતું તેની શરૂઆત છેક કાશ્મીરથી થઈ હતી. કાશ્મીરમાં 8 નવેમ્બરે શ્રીનગર પોલીસે અનંતનાગના સીનિયર રેસિડેન્ટ ડૉક્ટર આદિલ અહમદના સરકારી મેડિકલ કૉલેજના લોકરમાંથી AK47 પકડી હતી. આતંકી આદિલ પાસેથી જે વિગતો મળી તેના આધારે જ પોલીસે હરિયાણાના ફરીદાબાદમાં આવેલ એક ડૉક્ટરે ભાડે રાખેલા મકાનમાંથી ત્રણેક ટન જેટલી વિસ્ફોટક સામગ્રી કબજે કરી. ત્યારબાદના ઘટનાક્રમમાં 10 નવેમ્બર 2025ના રોજ, સાંજે 6:52 વાગ્યે દિલ્હીમાં લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન પાર્કિંગ લોટ પાસે i20 કારમાં એક પ્રચંડ બોમ્બ વિસ્ફોટ થયો અને કુલ 12 લોકોના મોત થયા. ઘટના સ્થળથી 3000-400 મીટર દૂર સુધી કાટમાળ ફેંકાયો હતો. i20 કારમાં સવાર, ડૉ. મોહમ્મદ ઉમર નબી કે જે પુલવામાનો રહેવાસી હોવાનું જણાય છે, વિસ્ફોટ પહેલા ત્રણ કલાક સુધી મેટ્રો પાર્કિંગમાં બેઠો હતો. દરમિયાન, હરિયાણાના ફરીદાબાદમાં ડૉ. શાહીન શાહિદ નામની એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. શાહીન ભારતમાં જૈશ-એ-મોહમ્મદની (હા, આ એ જ મસૂદ અઝહરનું જૈશ-એ-મોહમ્મદ કે જેને કંદહાર પ્લેન હાઈજેક વખતે આપણી છાતી પર પગ રાખી મસૂદ સહિત અન્ય ત્રણ આતંકીઓ સાથે છોડાવી ગયા હતા) મહિલા પાંખ, જમાત-ઉલ-મોમિનતની પ્રમુખ હતી. આતંકવાદી અઝહર મસૂદની બહેન સાદિયા પાકિસ્તાનમાં તેની પ્રમુખ છે. ગૃહ મંત્રાલય દ્વારા કાર વિસ્ફોટની તપાસ મોટા ઉપાડે NIA ને સોંપવામાં આવી છે. આવી કંઈક પ્રાથમિક વિગતો હવે બહાર આવી રહી છે અને આવા બધા મથાળાઓથી સમાચાર માધ્યમો ખદબદી રહ્યા છે.. પરંતુ NIA તપાસ ક્યારે પૂરી કરશે અને જેહાદી જડસુઓ ક્યારે પકડાશે ને સજા થશે એની કોઈ નક્કર ખાતરી નથી. ભારતના દિલ સમાન દિલ્હીમાં કોઈ આવો વિસ્ફોટ કરી જાય ને તેની જાણ સુધ્ધાં ન હોય એ ભારતીય ગુપ્તચર એજન્સીઓ માટે આત્મમંથનનો વિષય છે.
31 ઓક્ટોબર 2025ના રોજ, સરદાર પટેલની જન્મજયંતિએ, આપણા NSA - National Security Advisor અજિત ડોભાલે દાવો કર્યો હતો કે 2014થી કાશ્મીર સિવાય ભારતમાં ક્યાંય પણ કોઈ આતંકવાદી હુમલો થયો નથી. તેના 15 દિવસ પછી, દિલ્હી બોમ્બ વિસ્ફોટ થયો. કાશ્મીરથી કન્યાકુમારી સુધી આજે સમગ્ર ભારતની હવા પોતાની સાથે બારુદની વાસ લઈને ફરે છે. થોડા સમય પહેલાં જ કાશ્મીરના મીની સ્વિટ્ઝર્લૅન્ડ તરીકે જગમશહૂર એવા પહલગામમાં મઝહબના નામે મોન્સ્ટર થઈને ફરતા રહેતા જેહાદી જડસુઓએ ઉપસ્થિત પર્યટકોમાંથી હિન્દુઓને અલગ કરીને તેમને ઠાર કરી દીધા. આવા લોકોમાં એક ખાસ પ્રકારની નફરત ધરાવતી વિચારધારાવાળી માનસિકતા જોવા મળે છે. પરંતુ અહીં સવાલ એ થાય કે આટઆટલા હુમલાઓ થવા છતાં અને એ પણ વખતોવખત, કેમ આપણી સરકાર એકાદ એકશન લઈને જગ આખામાં ઢંઢેરો પીટવા બેસી જાય છે. જમ્મુ કાશ્મીરના ઉરી ખાતે આવેલા આર્મી કેમ્પ પરના હુમલા વખતે POK (પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર)માં સર્જિકલ સ્ટ્રાઈક કરીને સંતોષ માની લીધેલો અને જોરશોરથી મીડિયામાં જણાવેલું કે આતંકવાદીઓના લોન્ચપેડનો સફાયો કરી દેવામાં આવ્યો છે. જો એવું જ હતું તો પછી પુલવામાં વખતે CRPF ના કાફલા પર થયેલ હુમલા વખતે એટલા જંગી પ્રમાણમાં RDX ક્યાંથી આવેલું? બેશક એ પણ સરહદ પારથી જ આવેલું, સ્વાભાવિક છે. ત્યારે આપણે એર સ્ટ્રાઈક કરીને સંતોષ માન્યો. આ વખતે તો સાફ થયેલા આતંકવાદીઓનો જુમલો પણ ખાસ્સો એવો વધારે હતો, આશરે 250 - 300 કે એના કરતાં વધારે. એ માટે ભારતીય વાયુ સેનાના જવાનોને અભિનંદન. પણ વાત અહીં સરકારની ઈચ્છાશક્તિની છે. કેમ હુમલો થાય એ પછી જ એકશન લેવામાં આવે અને એ પણ સમ ખાવા પૂરતું. છાશવારે સરહદ પારથી થતા છમકલાઓમાં જવાનો શહીદ થતાં રહે છે. આતંકી પ્રવૃતિઓ અને ડ્રગ્સના કાળા કારોબાર બે રોકટોક ચાલ્યા કરે છે. સુરક્ષા દળોની સતર્કતાના કારણે ડ્રગ્સ પકડાય છે એ ઘણી મોટી સફળતા છે પરંતુ જે મોકલનાર છે એ તો ક્યારેય હાથમાં આવ્યા નથી.
આ બધી રોજિંદી ઘટનાઓ અને પછી જોવા મળતો સરકારી બેઠકોનો ધમધમાટ અને છેલ્લે સરકારી જવાબો જેવા કે, આંતકવાદીઓએ ગંભીર પરિણામો ભોગવવા પડશે, હુમલાખોરોને પકડીને તેમને મુંહતોડ જવાબ અપાશે, આતંકી પ્રવૃતિઓમાં સામેલ કોઈને પણ છોડવામાં નહીં આવે વગેરે વગેરેથી પ્રજા કંટાળી ચૂકી છે. માત્ર એક જોરદાર જવાબ આપીને કાયમ આપણી પીઠમાં જે શૂળ ભોંકાયા કરે છે તેને કેમ આપણે નાબૂદ નથી કરી શકતા? જો ઈઝરાયેલ કરી શકે, અમેરિકા કરી શકે જગ આખામાં તો આપણે તો એક પાડોશી મુલ્ક સાચવવાનો છે, એ પણ ન કરી શકીએ? તો પછી દર વર્ષે સંરક્ષણ પાછળ આટલું તોતિંગ બજેટ ફાળવીને નવા નવા હથિયારોના પરીક્ષણ કરીને દુનિયા આખીને સંદેશ શું ઇમેઇલ કરવાનો? જરૂર પડે ત્યારે એનો ઉપયોગ ન કરી શકીએ તો તો પછી એને બનાવ્યા કરીને શું કરવાનું? આઝાદીના આટલા વર્ષો બાદ પણ જે જમીન ભારતની પોતાની છે એ પણ આપણે દેશના દુશ્મનો પાસેથી પાછી નથી લઈ શકતા તો એને દુનિયા શું ધૂળ સુપરપાવર માને. મૂળ તો આપણે જગ આખાને રાજી રાખવામાં પાછળ રહી ગયા છીએ. સુપરપાવર એમ જ બડાઈઓ હાંકવાથી નથી બનાતું, ક્યારેક જરૂર હોય ત્યારે ધડાકા પણ કરવા પડે છે. ત્યારે દુનિયાના કાનેથી બેરાશ દૂર થશે અને ભારતની ધાક પડશે.
સામાન્ય જનસમુદાયમાં એવી વિચારધારા હોય છે કે કોઈ વ્યક્તિ યોગ્ય શિક્ષણના અભાવે કે નોકરી - ધંધાના અભાવે આવા કામોમાં જોડાતો હોય છે. જ્યાં બે પૈસાની લાલચ આપીને આવા કામોમાં જોડવામાં આવે છે. પરંતુ દિલ્હીની આ ઘટનામાં સંડોવાયેલા તેમજ એ જ સમયગાળા દરમિયાન ગુજરાત સહિત કાશ્મીર તેમજ હરિયાણાના ફરીદાબાદમાંથી પકડાયેલા ઇસમોમાંથી કોઈ ક્યાંક પ્રોફેસરની નોકરી કરતો હતો તો કોઈ ડૉક્ટર હતું. મતલબ કે પોતાના બુદ્ધિધનનો અને પોતાની આવડતનો ઉપયોગ આ લોકો હવે આતંકી પ્રવૃતિઓમાં કરી રહ્યા છે. અલગ અલગ કેમિકલ્સને કેટલા પ્રમાણમાં ભેગા કરીને કઈ રીતે RDX બનાવી શકાય તે પણ આવા જડસુઓ જાણતા સમજતા થયા છે અને જે ભારતીય સુરક્ષા એજન્સીઓ માટે ખરેખર ચિંતાની બાબત છે. દિવસે ને દિવસે વ્હાઇટ કોલર આતંક ફેલાવવામાં આ લોકો પાવરધા થતા જાય છે. હાલની તારીખે પણ આ લોકોનું ખૂબ મોટુ નેટવર્ક ભારતભરમાં ફેલાયેલું હોવું જોઈએ. કારણ કે લોકલ સપોર્ટ વગર આતંકવાદી ગતિવિધિઓ શક્ય બનતી જ હોતી નથી. કાશ્મીરની ઘટના બાદ પણ આપણે સૌએ જોયેલું અને હાલ દિલ્હીની ઘટનામાં પણ લોકલ સપોર્ટના એક પછી એક પત્તાંઓ ખુલી રહ્યા છે.
જોઈએ, હવે આ તાજેતરની ઘટના પછી કેન્દ્ર સરકાર દ્વારા શું આકરા પગલાંઓ લેવામાં આવે છે અને દોષિતોને કેવીક કડકમાં કડક સજા થાય છે કે પછી દર વખતની જેમ જૈસે થે! અને ફરીથી અન્ય કોઈ કાવતરાંની કે અન્ય કોઈ બ્લાસ્ટની જોવાતી રાહ...
God Bless Bharat!!
Comments
Post a Comment