…તો શું અત્યારે તેઓ દૂરદર્શનની ‘મહાભારત’ સીરિયલ જોઈ રહ્યા છે?
વિજ્ઞાની કાર્લ સેગાને 1985 માં Contact નામની સાયન્સ ફિક્શન નવલકથા લખેલી, જેના આધારે ત્યારપછી ફિલ્મ પણ બની. ફિલ્મની પટકથા મુજબ 1988 ના વર્ષમાં એક મહિલા ખગોળશાસ્ત્રી Search for Extra-Terrestrial Intelligence/SETI અભિયાન હેઠળ બુદ્ધિશાળી એવા બાહ્યાવકાશી જીવોની ખોજ ચલાવી રહી છે. (હોલિવૂડની જાણીતી અભિનેત્રી જુડી ફોસ્ટર Contact ફિલ્મમાં ખગોળશાસ્ત્રીનો રોલ ભજવે છે). ઇ.ટી.ના સંદેશા માટે અંતરિક્ષમાં ખાંખાંખોળા કરવા માટેનું સાધન રેડિઓ ટેલિસ્કોપ છે, એક વાર તે Vega/અભિજીત તારાની (જે પૃથ્વીથી 25 પ્રકાશવર્ષ જેટલો દૂર છે) દિશામાં ટેલિસ્કોપ માંડે છે અને ત્યારે અસાધારણ પ્રકારનું ટ્રાન્સમીશન ઝીલાય છે. આનો સૂચિતાર્થ તેને સમજાતો નથી, એટલે તે ઓસ્ટ્રેલિયાના એક ખગોળશાસ્ત્રીનો સંપર્ક કરે છે. ઓસ્ટ્રેલિયાના રેડિઓ ટેલિસ્કોપે પણ એ જ સંદેશો ઝીલ્યો છે, જે વળી તેને પણ રહસ્યમય જણાયો છે. અમેરિકન મહિલા ખગોળશાસ્ત્રી લાગતાવળગતા સૌને મેસેજ અંગે વાકેફ પણ કરે છે. પરિણામે CNN નામના ટેલિવિઝન નેટવર્કથી માંડીને અમેરિકાના રાષ્ટ્રપતિ સહિતના અગ્રગણ્ય લોકોને ઘટનાથી વાકેફ કરવામાં આવે છે. વિદ્યુતચુંબકીય મોજાંના વિશ્લેષણ દ્વારા અંતે ખબર પડે છે અભિજીત તારા મારફત આવી રહેલાં સિગ્નલો રેડિઓને લગતાં નથી પરંતુ ટેલિવિઝન પ્રસારણનાં છે. આથી ખગોળશાસ્ત્રી (જુડી ફોસ્ટર) તરત મોનિટર ચાલુ કરે છે. જુએ છે તો ફાયરબ્રાન્ડ હિટલર નાઝી કાર્યકરોની રેલીને સંબોધી રહ્યો છે. હિટલર વળી ક્યારે અભિજીત/Vega તારાના ગ્રહ પર ગયો? નથી ગયો, પણ તેણે 1936 માં જર્મની ખાતે જે ભાષણ આપેલું તેનું જીવંત પ્રસારણ તે ગ્રહ સુધી પહોંચ્યા બાદ ત્યાંના બુદ્ધિશાળી ગ્રહવાસીએ તેને ‘રિપ્લાય કાર્ડ’ તરીકે પાછું મોકલી રહ્યા છે. અભિજીત તારો 25 પ્રકાશવર્ષ છેટે હોવાને લીધે ટી.વી. મોજાંને જવા-આવવામાં બાવન વર્ષ થાય, માટે 1988 માં પૃથ્વીને રિસેપ્શન મળી રહ્યું છે. વાર્તા કંઈક આવી હતી પણ તેની વાત જવા દો. વાર્તાના સંદર્ભમાં કુતૂહલપ્રેરિત સવાલ એ થાય કે માનવજાતે બ્રોડકાસ્ટ કરેલા ટેલિવિઝનના અને રેડિઓનાં વિદ્યુતચુંબકીય મોજાં અંતરિક્ષમાં ક્યાં સુધી પહોંચ્યાં છે? આ મોજા દર સેકન્ડે 2,99,792 કિલોમીટરના પ્રકાશવેગે અંતરિક્ષના શૂન્યાવકાશમાં આગળ વધે છે. સૌથી ઓછી મજલ સહેજે એ મોજાંએ ખેડી હોય કે જેમને રેડિઓનાં અને ટેલિવિઝનનાં મથકો દ્વારા હજી થોડા સમય પહેલાં જ બ્રોડકાસ્ટ કરવામાં આવ્યાં, માટે તેઓ એકેય તારા સુધી પહોંચ્યાં નથી. સૌથી નજીકનો તારો 4.2 પ્રકાશવર્ષ છેટેનો Proxima Centuri સમીપ નરાસ્ચ છે. આ તારાને બુદ્ધિશાળી સજીવો ધરાવતો ગ્રહ હોત તો આજે તેઓ કોઈક ઐતિહાસિક ઘટનાનું લાઈવ ટેલિવિઝન કવરેજ જોતા હોત, પણ સમીપ નરાશ્વને ગ્રહ નથી. 'કૌન બનેગા કરોડપતિ’ ની પ્રથમ સીરિઝનાં ટેલિવિઝન મોજા Kapteyan's Star નામના 12.8 પ્રકાશવર્ષ છેટેના તારા સુધી પહોંચ્યાં છે. બીજા કેટલાક તારાને પણ આંબી ચૂક્યા હશે. તારા ફરતેનો ગ્રહ આડી કે ઊભી ભ્રમણરેખા આંકતો હોય અને ચોક્કસ સમયાંતરે તારાનું સંક્રમણ કરી તેના પ્રકાશને આંશિક રીતે ઢાંકી દેતો હોય ત્યારે જ એ ગ્રહની હાજરી પકડાય છે. કોઇવાર પોતાના ગુરુત્વાકર્ષણ વડે તારાને આગળપાછળ હડદોલતો હોય ત્યારે એ ગ્રહનું અસ્તિત્વ ખબર પડી આવે છે. ગ્રહની ભ્રમણકક્ષા આડી કે ઊભી નહિ, પણ સામેથી દેખાતી રિંગ જેવી હોય તો પછી તેની હાજરી જાણી શકાતી નથી. સમીપ નરાશ્વને બાદ કરતાં બધા તારા ફરતે આડી લીટીમાં ભ્રમણમાર્ગ રચીને ઘૂમતા ગ્રહો મળી આવ્યા છે. ઊભી રિંગ જેવી ભ્રમણકક્ષા ધરાવતા ગ્રહોનો પત્તો લાગવો શક્ય નથી. આમ છતાં પ્રશ્ન થાય કે એવા ગ્રહો પૈકી એકાદ ગ્રહ પૃથ્વી જેવો વસવાલાયક હોય અને ત્યાંના ગ્રહવાસીઓ ‘મહાભારત' ની ટી.વી. સીરિઅલ જોતા હોય અગર તો ગાંધીની સ્મશાનયાત્રાનો આંખે દેખ્યો રેડિઓ અહેવાલ સાંભળતા હોય એ બનવાજોગ ખરું?
કબૂલ કે પચાસ વર્ષ થયે અનેક રેડિઓ ટેલિસ્કોપના કાન અંતરિક્ષ તરફ મંડાયેલા હોવા છતાં Extra-Ter-restrial ETનો સંદેશો હજી ઝીલાયો નથી, પરંતુ ધારો કે આવતી કાલે ઝીલાય છે. આ ધારણા કરવા માટે ખાસ કારણ છે. રેડિઓ ટેલિસ્કોપ વધુ સૂક્ષ્મગ્રાહી બન્યા છે અને દુનિયાભરમાં સંખ્યા પણ વધી છે. આધુનિક કમ્પ્યૂટરો વળી આવાં ટેલિસ્કોપના ડેટાનું વધુ છણાવટભર્યું પ્રોસેસિંગ કરી આપે છે. પરિણામે ET યાને બાહ્યાવકાશી ગ્રહના બુદ્ધિશાળી જીવો ખરેખર જો સંદેશો વહેતો મૂકી ચૂક્યા હોય તો વહેલું મોડું પૃથ્વી પર તેનું રિસેપ્શન મળવું નક્કી છે. સમજો કે મળ્યું, તો એ પણ નક્કી છે કે તેના સમાચાર જગતભરમાં સનસનાટી ફેલાવી દે. પૃથ્વીની જેમ બીજે પણ જીવન હોવાની સાબિતી મળે તે આજ દિન સુધીની માનવ તવારીખમાં અજોડ ઘટના લેખાય એ દેખીતું છે. 1996 માં ધરતી પર આવી પડેલી મંગળની ઉલ્કામાં જીવાણુઓના અશ્મિ હાથ લાગ્યા ત્યારે પણ અમેરિકાના ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ' અખબારે સળંગ ત્રણ દિવસ સુધી ધ્યાનાકર્ષક મથાળાં બાંધી તેના સમાચાર ચમકાવ્યા. પૃથ્વીવાસીઓ માટે તે જીવાણુઓ ખતરારૂપ નહોતા, પણ બુદ્ધિશાળી જીવોની વાત જુદી છે. સેંકડો કે હજારો વર્ષ પહેલાં તેમણે સંદેશો પ્રસારિત કર્યો હોય તો આજે સાયન્સ અને ટેક્નોલોજિના ક્ષેત્રે આપણા કરતાં તેઓ ક્યાંય આગળ હોવા જોઇએ. આથી તેમનું માનવજાત પ્રત્યેનું વલણ દોસ્તીનું હોય કે દુશ્મનીનું તે કહેવાય નહિ. ઇરાનથી આવેલા પારસીઓ જેવું હોય તો સારી વાત છે. પોર્ટુગાલથી આવેલા વાસ્કો-દ-ગામા જેવું હોય તો મર્યા સમજો.
આ બન્ને શક્યતાઓ ધ્યાનમાં લેતાં થોડા વખત પહેલાં ઇન્ટરનેશનલ અકેડમી ઓફ એસ્ટ્રોનોટિક્સ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ SETI detection protocols તરીકે ઓળખાતી નિર્દેશિકા તૈયાર કરી. (બાહ્યાવકાશના સંભવિત બુદ્ધિશાળી જીવોની ખોજ માટેના Search for Extra-Terrestrial Intelligence અભિયાનને ટૂંકમાં SETI કહે છે). રેડિઓ ટેલિસ્કોપમાં ETનો વિદ્યુતચુંબકીય સંદેશો ઝીલાયા પછી શું કરવું તેની વિધિ તે નિર્દેશિકામાં વર્ણવેલી છે. સૌથી પહેલી જાણ SETIના મુખ્ય કર્તાહર્તા સેથ શોસ્ટાકને થાય એ નક્કી છે. આ ભાગ્યશાળી ખગોળશાસ્ત્રીએ જો કે પરબારી જાહેરાત કરી દેવાને બદલે એસ્ટ્રોનોટિક્સ અકેડમી દ્વારા ઘડી કઢાયેલી આચારસંહિતા જેવી માર્ગદર્શિકા પ્રમાણે આગળ વધવાનું છે. આ રહી કાર્યવિધિ :
- વિદ્યુતચુંબકીય મોજાં ગેલેક્સીનાં અને ન્યૂટ્રોન સ્ટારનાં પણ હોય, માટે પહેલાં તો એ વાતની ખાતરી કરી લેવી પડે કે ઝીલાયો તે સંદેશો ખરેખર ETનો છે. આના માટે જગતનાં ઘણાં બધાં રેડિઓ ટેલિસ્કોપના કમ્પ્યૂટર પ્રિન્ટઆઉટ તપાસીને એકમેક જોડે સરખાવવાનું જરૂરી છે. વિવિધ ફ્રિક્વન્સીનાં મોજાંમાં વિશિષ્ટ ફ્રિક્વન્સી જુદી તરી આવે તો જ માનવું કે સંદેશો ETનો છે.
- પાકી ખાતરી થયા બાદ લોકોને તથા સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના (યુનોના) મહામંત્રીને જાણ કરવાની રહે છે. દરમ્યાન તમામ વૈજ્ઞાનિક ડેટા જગતભરના વિજ્ઞાનીઓ માટે સમાચાર માધ્યમો દ્વારા જાહેર કરી દેવાનું જરૂરી છે. બીજી તરફ આવા બાહ્યાવકાશી સંદેશાઓનું અવિરત મોનિટરિંગ કરવું અને તેમનું રેકોર્ડિંગ કરવું પણ નિર્દેશિકા મુજબ ફરજિયાત છે.
- “બુદ્ધિશાળી જીવોનો સંદેશો જે ફ્રિક્વન્સી પર આવ્યો હોય તથા આવતો હોય તેના પરનું બધું પ્રસારણ રેડિઓ સ્ટેશનોએ, વાયરલેસ મથકોએ તથા બ્રોડકાસ્ટિંગનાં બીજાં માધ્યમોએ બંધ કરી દેવાનું રહે છે. સેટેલાઇટ માટે પણ તે ફ્રિક્વન્સી વાપરી શકાય નહિ. આને લીધે વધુ પ્રમાણભૂત રીતે સ્પષ્ટ થાય કે હજી ઝીલાતો સંદેશો બાહ્યાવકાશી જ છે.
- અંતે સંયુક્ત રાષ્ટ્ર સંસ્થાના તમામ સભ્ય દેશોએ બહુમતીના ધોરણે નક્કી કરવાનું હોય કે સંદેશાનો પ્રત્યુત્તર આપવો કે નહિ --અને જો આપવો હોય તો એ જવાબ શો હોવો જોઇએ.
ઇન્ટરનેશનલ અકેડમી ઓફ એસ્ટ્રોનોટિક્સે નક્કી કરેલી માર્ગદર્શિકા તો જાણે ઠીક છે, પણ બુદ્ધિશાળી જીવોના મેસેજનો અર્થ પહેલાં તો ઉકેલાવો જોઇએ. નિષ્ણાતો હડપ્પા સંસ્કૃતિની લીપિને હજી ઉકેલી શક્યા નથી. વિજ્ઞાનીઓ ETના બ્રોડકાસ્ટનો અર્થ પામી શકે કે કેમ તે સવાલ છે--સિવાય કે તેઓ ડિજિટલ ભાષા (Bainari 0-1)વાપરતા હોય કે જે આપણા માટે અજાણી નથી.

Comments
Post a Comment