અજીબોગરીબ છાણિયાં જીવડાંનું અજુગતું વિજ્ઞાન

 


આમ તો જુગુપ્સાપ્રેરક લાગે એવા આ સમાચાર ઘણા વખત પહેલાના છે. એ વખતે ઓસ્ટ્રેલિયાની જેમ ન્યુઝીલેન્ડે પણ છેક દક્ષિણ આફ્રિકાથી કેટલાક છાણિયાં જીવડાં (dung beetles) મંગાવીને પોતાના વગાડાઉ પ્રદેશોમાં છૂટાં મૂકી દીધા. આવા જીવડાં મૂળભૂત રીતે ઢાલિયા જીવડાં છે. કાચબાની માફક તેમને પણ કુદરતે ઢાલ આપી છે, જે સામાન્ય રીતે લીસી અને ચમકદાર હોય છે. જ્યારે તે જમીન પર બેઠું હોય ત્યારે તેની પાંખો પોતાની ઢાલ નીચે છુપાવીને રાખે છે અને ઉડવાનું મન થાય ત્યારે ઢાલને ખોલીને પાંખો બહાર કાઢે છે. જ્યાં સુધી પાંખો વીંઝાતી રહે ત્યાં સુધી ઢાલ ખૂલી જ રાખે છે અને જમીન પર આવ્યા બાદ ફરી પાંખોને સંકેલી ઢાલને બીડી દે છે. આખા જગતમાં આશરે 3,00,000 પ્રકારના ઢાલિયા જીવડાં છે. એમાં સૌથી કુતૂહલપ્રેરક હોય તો એ છાણિયાં જીવડાં (dung beetles) છે અને જેમની ભારત તથા આફ્રિકામાં વ્યાપક વસ્તી છે. ધ્રુવ પ્રદેશો સિવાય અમુક અન્ય પ્રદેશોમાં પણ વસ્તી છે પણ ખૂબ પાંખી. હાથી, ભેંસ, ગેંડા, ગાય, જિરાફ વગેરેના છાણના લાડુ બનાવવા માટે તેઓ જાણીતા છે. છાણના આવા લાડુ ગોળ જ બનાવવા એ તેમની એક આગવી ખાસિયત છે. છાણ અને તેના પર આધાર રાખતા જંતુઓ પોષક ચક્ર, જૈવવિવિધતા અને સ્વસ્થ ઇકોસિસ્ટમને સક્ષમ રાખતા મુખ્ય પરિબળો છે.

વનસમૃદ્ધિની દષ્ટિએ પૂર્વ તથા દક્ષિણ આફ્રિકાનો અરણ્ય પ્રદેશ ખાસ્સો સમૃદ્ધ છે. હાથી, ઝિબ્રા, હરણ, જિરાફ, ગેંડા તથા અન્ય જનાવરો ત્યાં રોજના લાખો ટન જેટલા પોદળા જમીન પર ઠાલવે છે. હાથી દરરોજ 450 કિલોગ્રામ જેટલો ચારો ખાય છે અને રોજના 300 કિલોગ્રામ જેટલી હગાર વડે જમીનને ખરડી મૂકે છે. દેખીતું છે કે હગારના ખાતે બીજાં ભૂચર જનાવરોનો સંયુક્ત દૈનિક ફાળો પણ નાનોસૂનો હોય નહિ. આમ છતાં આફ્રિકાના વગડાઉ પ્રદેશોમાં જમીન ક્યાંય પોદળા વડે ખરડાયેલી જોવા મળતી નથી. ભૂચર સજીવોએ પોદળો મૂક્યાની થોડી જ વારમાં જૂથબંધ છાણિયાં જીવડાં આવી ચડે છે અને પોદળાના અનેક લાડુ વાળી તેમને થાળે પાડી દે છે. પદ્ધતિ સરળ છે, પરંતુ તુચ્છ જીવડું તેને અમલમાં મૂકતું હોય ત્યારનું દૃશ્ય જોતાં સહેજે અચરજ પામી જઇએ. હાથીના દૃષ્ટાંત સાથે વાત કરો તો તેણે મૂકેલો તાજો પોદળો ગંધ ફેલાવે છે, જેને પારખીને જોતજોતામાં આવી ચડતાં છાણિયાં જીવડાં પરસ્પરની સ્પર્ધાના ધોરણે કામે લાગી જાય છે. પાવડા જેવું માથું વાપરી તેઓ છાણનો નાનો ચક્કો અંદાજે ગોળ આકારમાં જુદો પાડે છે. લાડુને દૂર સુધી એકાદ સલામત જગ્યા તરફ ગબડાવવાનો હોય છે. સપાટી બધી તરફ સરખી ગોળ થાય એ માટે છાણિયું જીવડું તેના પાછલા પગે લાડુને ઘડીકમાં આમ તો ઘડીકમાં તેમ ધકેલે છે. લાંબો સમય તેને ચારેકોર ગબડાવ્યા કરે છે, જેથી દરેક તરફ સપાટી એકસરખી સુડોળ અને લીસ્સી બને. આ કાર્ય વધુમાં વધુ 63 મિનિટ જેટલો સમય લેતું હોવાનું પ્રકૃતિનિષ્ણાતોએ માપ્યું છે. લાડુ બન્યા બાદ તેને ધીમે ધીમે હડસેલી પોતાના દરમાં પૂરી દ્યે છે અને ત્યારબાદ માદા તેમાં પોલાણ કરી ઇંડા મૂકે છે. આમ ઇંડામાંથી બચ્ચા નીકળ્યા બાદ તેમને ખોરાક તૈયાર મળી રહે એ વળી તેનું બીજું જમાપાસું. બચ્ચાં ધીમે ધીમે મોટા થાય ત્યાં સુધીમાં તો લાડુનો પણ ઘડોલાડવો થઈ ચૂક્યો હોય. 

ન્યુઝીલેન્ડને રસ પડવા પાછળનું કારણ એ હતું કે એકવીસમી સદીના આરંભે ત્યાં ગાયોની સંખ્યા આશરે 80 લાખ સુધી પહોંચી અને સાથે બીજા પાલતુ પશુઓની સંખ્યામાં પણ વધારો નોંધાયો. સરેરાશ જોતા વ્યક્તિદીઠ 25 જેટલા પશુઓ હતા. જે પોતપોતાની હગાર દ્વારા ત્યાંના પર્યાવરણને દૂષિત કરી રહ્યા હતા. અને આવી જ પરીસ્થિતિ વર્ષો પહેલાં ઓસ્ટ્રેલિયામાં પણ હતી. જેથી ત્યાંની સરકારે દક્ષિણ આફ્રિકાથી આશરે પોણા ત્રણ લાખ જેટલા છાણિયાં જીવડાં મંગાવ્યા હતા. જેથી આ સમસ્યાનું નિરાકરણ લાવવા ન્યુઝીલેન્ડ પણ એ જ રસ્તે આગળ વધ્યું. 

આમ તો છાણિયાં જીવડાંની લગભગ બે હજાર જેટલી જાતો છે. છાણિયાં જીવડાં પોતાના આગળના બે પગનો ઉપયોગ ખુદને ધક્કો મારવા કરે છે અને પાછળના બે પગથી પોદળાનો લાડુ વાળીને ધક્કો મારીને ગબડાવે છે. જેથી કુદરતે તેને પાછળના બે પગ વધુ મજબૂત બાંધાના આપ્યા છે. પોદળાની હાજરી પારખવા માટે તેની ધ્રાણેન્દ્રિય પણ અત્યંત સતેજ છે. પોતાના માથા પર રહેલા એન્ટેનાનો ઉપયોગ કરીને છાણની ગંધ દ્વારા તેને શોધી કાઢે છે. નાના છાણિયાં જીવડાં સો ફૂટથી માઇલ દૂર છાણની ગંધ પારખીને શોધી શકે છે અને ત્યાં ઉડી શકે છે. જ્યારે કેટલીક મોટી પ્રજાતિના છાણિયાં જીવડાં છાણને શોધવા માટે 30 માઇલ સુધી ઉડી શકે છે. 

એક અહેવાલ મુજબ પૂર્વ આફ્રિકાના ત્સાવો નેશનલ પાર્કમાં હાથીએ પોદળો મૂક્યાની પંદરેક મિનિટમાં લગભગ ચારેક હજાર છાણિયાં જીવડાં આવી પહોંચ્યા. અહીં પ્રશ્ન એ થાય કે છાણિયાં જીવડાંની આટલી તો શી મહત્તા છે? તો એનું કારણ એ કે કુદરતી અને કૃષિ ક્ષેત્ર બંનેમાં, છાણિયાં જીવડાં સ્વસ્થ ઇકોસિસ્ટમનો મુખ્ય ઘટક છે. કારણ ખૂબ સરળ છે: છાણિયાં જીવડાં વિના જમીન પર લાંબા સમય સુધી ઘણું વધારે છાણ પડેલું રહે છે. છાણનો ટુકડો સપાટી પર જેટલો લાંબો સમય રહે છે તેટલી જ વધુ સમસ્યાઓ ઊભી થઈ શકે છે. ઉદાહરણ તરીકે, છાણમાં રહેલું નાઇટ્રોજન એમોનિયા હવા સાથે વાતાવરણમાં પ્રવેશી શકે છે. જો તે વધુ પડતું હોય તો વાતાવરણમાં એસિડિફિકેશન અને મનુષ્યોમાં શ્વસન રોગોનું કારણ બની શકે છે. જ્યારે છાણિયાં જીવડાં હાજર હોય છે ત્યારે તેના દ્વારા મોટાભાગનો નાઇટ્રોજન જમીનમાં ભળી જાય છે અને પછી ઊગી નીકળતા છોડ તેમજ વનસ્પતિ દ્વારા શોષાય છે. આ ઉપરાંત છાણિયાં જીવડાં અન્ય જીવાત તેમજ જંતુઓની વસ્તી ઘટાડવામાં મદદ કરે છે. 

અહીં આશ્ચર્ય પમાડે એવી વાત એ છે કે છાણિયાં જીવડાં દિવસને બદલે રાત્રિના સમયે વધુ સક્રિય હોય છે. ગાઢ અંધકારના સમયે યોગ્ય દિશામાર્ગ ચયન કરવો એ કઠિન કામ હોય છે. લાડુ જમીનના ભૂપૃષ્ઠ મુજબ આમતેમ ગબડતો રહે. આવામાં તેને સીધી દિશામાં દોરી જવું અશક્ય જણાય. છાણિયાં જીવડાં કઈ રીતે પોતાનો દિશામાર્ગ નક્કી કરે છે તેના પર પ્રકૃતિનિષ્ણાતોએ વર્ષો સુધી સંશોધન કર્યું અને છેવટે અનુમાન બાંધ્યુ કે છાણિયાં જીવડાં ચંદ્રનો સંદર્ભ લઈને દિશામાર્ગ અંકિત કરે છે. પણ પછીથી વધુ અભ્યાસ કરાતા અનુમાન ખોટું ઠર્યું. કેમ કે છાણિયાં જીવડાં અમાસની રાત્રે પણ પોતાનો સીધી લીટીનો માર્ગ અંકિત કરતા હતા. છેવટે સ્વીડનના પ્રકૃતિનિષ્ણાતો એરિક વોરેન્ટ અને મેરી ડેક મેદાને આવ્યા. કેટકેટલાય શંશોધનોને અંતે સાબિત કર્યું કે છાણિયાં જીવડાં આકાશદર્શન એટલે કે તારા દ્વારા દિશાશોધન માટે માર્ગદર્શન મેળવતાં હતાં. આકાશના એકદમ ઝાંખા પ્રકાશે અલગ અલગ તારાજૂથોને દિશાશોધન માટે પોતાનું માધ્યમ ગણતાં હોવા જોઈએ. છે ને ખરેખર આશ્ચર્યજનક વાત કે પંદર-પચ્ચીસ ગ્રામનું જીવડું દિશાશોધન માટે અફાટ અંતરિક્ષમાં ફેલાયેલી આકાશગંગાને અનુસરે છે!! સંદર્ભ સાભાર: સાન ડિએગો ઝૂ, xerces, સફારી

Comments

Popular posts from this blog

Union Budget 2026–27: Growth with Fiscal Prudence at the Core

અસરદાર સરદાર @150

મિડિયા: હેડલાઈન vs બેડલાઈન