રણમાં વેરણછેરણ થતું ડ્રેગન બ્લડ ટ્રી


હિન્દ મહાસાગરમાં આફ્રિકી દેશ સોમાલિયાની પૂર્વે અને યમનની દક્ષિણે સોકોટ્રા/Socotra નામનો આશરે 3665 ચોરસ કિલોમીટરનો એકલો અટૂલો ટાપુ આવેલો છે. એડનના અખાતનું પ્રવેશદ્વાર ત્યાં છે, જેમાં પ્રવેશ્યા બાદ સુએઝ નહેરવાળો રાતો સમુદ્ર આવે છે. અઢારમી સદીમાં તેમજ ઓગણીસમી સદીમાં યુરોપ સાથે (વચેટિયા આરબ સોદાગરો દ્વારા) વેપાર કરનારા મુખ્યત્વે કચ્છીઓ અરબી સમુદ્રમાં એકધારું 2000 કિલોમીટર જેટલું લાંબુ અંતર કાપી તત્પુરતા રોકાણ માટે સોકોટ્રા પહોંચે ત્યારે એ ટાપુ પર તાજાં ખોરાકપાણી મેળવ્યાનો એમને સુખદ અનુભવ થતો, એટલે ટાપુનું નામ તેમણે સુખધરા રાખ્યું. સમય રહેતા પશ્ચિમી લોકોએ સુખધરાનું અપભ્રંશ સોકોટ્રા કરી નાખ્યું. હવે એ જ નામ ચલણમાં છે. 1990ની સાલથી યમનની માલિકીના એ ટાપુ પર આજે લગભગ ચાલીસેક હજારની વસ્તી છે. સોકોટ્રાની માટીમાં ઝાઝો કસ નથી અને વરસાદની પણ ખાસ મહેર નથી. હવામાન ગરમ છે. વનસ્પતિને ફૂલવાફાલવા માટેના પ્રેરક સંજોગોનો અભાવ છે. આમ છતાં અત્યંત વિષમ પર્યાવરણમાં બંધબેસતા આવી જવા પોતાની રચના તથા કાર્ય બદલીને 27 સ્પીસિસની વનસ્પતિઓ સોકોટ્રા પર ખીલી છે. સર્વાઇવલ માટે દેશ તેવો વેશ તેમણે ધારણ કર્યો છે, એટલે દરેક વૃક્ષનો અને છોડનો દેખાવ પણ સામાન્ય કરતાં જુદો છે. વનસ્પતિની બાયોલોજિકલ જીવનપ્રણાલિ તો વિશિષ્ટ ઉપરાંત વિચિત્ર પણ જણાય તેવી છે. 


સૌથી ધ્યાનાકર્ષક વૃક્ષ dragon’s blood tree નામનું છે. પહેલી વિશેષતા કે વિચિત્રતા તો સ્વયં તે વૃક્ષના નામમાં જ રહેલી છે. આ જાતનું વિશેષ નામ એટલા માટે પડ્યું કે તેનો ભીતરી વૃક્ષપોષક રસ/sap લોહી જેવા લાલ રંગનો છે. આ વૃક્ષ યમનનું રાષ્ટ્રીય વૃક્ષ પણ છે. અસાધારણ દેખાતું ડ્રેગન બ્લડ ટ્રી અત્યારે લુપ્ત થવા માટેની સંવેદનશીલ કક્ષામાં સ્થાન ધરાવે છે. તે આશરે ત્રિસેક ફૂટથી વધુ ઊંચાઈ સુધી વધી શકે છે અને લગભગ 600 વર્ષ સુધી જીવી શકે છે. ડ્રેગન બ્લડ ટ્રીના બધા પાંદડા દર ત્રણથી ચાર વર્ષે ખરી જાય છે. આ વૃક્ષ બેરી જેવા ફળ આપે છે. જેમ જેમ ફળ પાકે તેમ તેમ તેનો રંગ લીલામાંથી કાળો થતો જાય છે. આ વૃક્ષો વાર્ષિક માત્ર બે થી ત્રણ સેન્ટિમીટર જેટલી જ વૃદ્ધિ પામે છે. પરિણામે ખાસ્સો એવો સમય તે પાલતુ પશુઓ માટે ખોરાક તરીકે ઉપયોગમાં આવી શકે એવી પરિસ્થિતિમાં હોય છે. જે તેના લુપ્ત થવાના કારણો પૈકીનું એક ગણી શકાય. 

ટાપુના ખડકાળ અને પર્વતીય ભૂપ્રદેશ પર પાંગરતુ આ વૃક્ષ બેરી અને સિંદૂર જેવો લાલ રસ ધરાવે છે. સેંકડો વર્ષો પહેલાં તે કથિત કાળા જાદુ માટેની વિદ્યા માટે લોહીની અવેજીમાં વપરાતો એવી માન્યતા છે. એટલે તેને દૈત્યના લોહી તરીકે ખપાવી દેવાયો છે. આજે તે કાપડને તથા ક્રોકરીને રંગવા માટે, ટૂથપેસ્ટ બનાવવા માટે અને લિપસ્ટિક સહિતની કેટલીક ચીજો બનાવવામાં વપરાય છે. આ ઉપરાંત લગભગ 18મી સદીમાં ઇટાલિયન વાયોલિનવાદકો ડ્રેગન બ્લડ ટ્રીના લાલ રંગના રસનો ઉપયોગ તેમના વાદ્યોને વાર્નિશ કરવા ઉપયોગ કરતા. આ પ્રવાહીનો ઉપયોગ હજી પણ વાયોલિન વાર્નિશ કરવા માટે થાય છે. 

સોકોટ્રાના dragon’s blood treeનું દૈત્યવાળી પુરાણી વાયકા કરતાં વૈજ્ઞાનિક પાસું વધુ નોંધપાત્ર છે. આ વૃક્ષને પર્યાપ્ત માત્રામાં વરસાદનું પાણી મળતું નથી. આકાશમાં વાદળો હોય છે, પણ વરસાદ નહિ. આથી પાણીને લગતી પોતાની જરૂરિયાતને વૃક્ષ જુદી રીતે પૂરી કરે છે. તરસ છિપાવવાના ખાતે સામાન્ય વૃક્ષ કરતાં તેનો ક્રમ અવળો છે. ઘટાદાર એવા મોટા વૃક્ષનું ઉદાહરણ જોવા બેસો તો રોજનું લગભગ 1000 લીટર પાણી તે stomata/પર્ણછિદ્રો દ્વારા બાષ્પીભવન વડે ઉત્સર્જિત કરે છે અને જમીનનું એટલું જ પાણી મૂળિયાં થકી ખેંચી ઘટાનાં પાંદડાં તરફ ચડાવે છે. ટૂંકમાં, પાંદડાં આઉટપુટનું કાર્ય બજાવે છે. આમ સામાન્ય રીતે જોતા આ વૃક્ષ દેખાવમાં એકદમ અદ્ભુત છે. આ વૃક્ષની ડાળીઓ બહારની તરફ કાંટાવાળા આકારમાં ઉગે છે. જેનાથી તે એકદમ વિશાળ એવા મશરૂમ જેવા આકારનું અને નીચેથી છત્રી જેવા આકારનું દેખાય છે. 

સોકોટ્રાના dragon’s blood tree માં ‘રિવર્સ’ ક્રિયા થાય છે. પાંદડાં તેમાં પાણીના ઇનપુટ માટેનાં છે અને વધુ પ્રમાણમાં ઇનપુટ થાય એ હેતુસર પોતાની ઘટા તેમણે વધુ પ્રમાણમાં બિછાવી છે. પાંદડાનો આકાર પણ એ કાર્યને અનુરૂપ છે. વહેલી સવારે પાણીની વરાળનાં ખૂબ નાનાં ટીપાનું વાદળ એકદમ નીચા લેવલે mist/આછા ધુમ્મસ તરીકે પથરાય ત્યારે ભેજકણો રાત્રિ દરમ્યાન ઠંડી પડી ગયેલી પાંદડાની સપાટી પર ઠરે છે. વૃક્ષની ઘટા ત્યાર બાદ funnel/ગરણી જેવું કામ આપે છે. પાણીના રેલા દરેક ડાળીના અને તે પછી થડના ભીતરી નહિ, પણ બહારના ભાગે લસરીને નીચે જમીન સુધી પહોંચે છે. અંતે જમીનમાં પચી જાય છે, જ્યાં મૂળિયાંના તંતુઓ માટીનાં જલદ્રાવ્ય પોષક દ્રવ્યો ગ્રહણ કરી તેમને થડ-ડાળીના ભીતરી માર્ગે ઘટા તરફ પાંદડાં સુધી પહોંચાડે છે. વિસ્તૃત ઘટાનું છત્ર વળી તડકામાં જમીનના પાણીનું બાષ્પીભવન થતું રોકે છે. 

આ વૃક્ષ ચાર્લ્સ ડાર્વિનના ‘સર્વાઇવલ ઓફ ધ ફિટેસ્ટ'ના સિદ્ધાંતને તો જાણે સાર્થક કરે છે, પણ સાથે બીજી વર્તમાન થિઅરીને તેના દ્વારા પુષ્ટિ મળે છે. થિઅરી એ કે સંજોગો ગમે તેવા હોય, પણ તેમની વચ્ચે જીવનનું વહેલામોડું પ્રાગટ્ય થવું અનિવાર્ય છે. સજીવ તેના સંજોગોને અનુરૂપ બનવા માટે ગમે તે હદે જાય છે. જૂની કહેવત પ્રમાણે ગોકુળમાં ગોકુળદાસ અને મથુરામાં મથુરાદાસ થાય છે--અને માટે જ પૃથ્વીનાં કાળઝાળ રેગિસ્તાનો, ઠંડાગાર બર્ફસ્તાનો, ઊંડું સાગરપેટાળ કે ઊંચા પર્વતો સહિત બધે જીવસૃષ્ટિ પાંગરી છે. બીજી રીતે જોવા બેસો તો જીવનના પ્રાગટ્યની અનિવાર્યતાને લગતી થિઅરી મુજબ પૃથ્વી કરતાં સાવ જુદા સંજોગોવાળા બાહ્યાવકાશી ગ્રહો ૫૨ જીવન હોય એ સંભાવના વધી જાય છે. ‘સર્વાઇવલ’ માટે ‘ફિટ’ સજીવો ત્યાં પણ હોવા જોઇએ. 

2017 માં પ્રકાશિત થયેલા નેચર ક્લાઇમેટ ચેન્જ જર્નલના એક અભ્યાસ અનુસાર છેલ્લા એક બે દાયકામાં અરબી સમુદ્રમાં ગંભીર ચક્રવાતોની જે વણથંભી વણઝાર ચાલી તેમાં નાટ્યાત્મક વધારો થયો છે, જેની કિંમત ડ્રેગન બ્લડ ટ્રી પોતાના બલિદાન દ્વારા ચૂકવી રહ્યા છે. અરબી સમુદ્રમાંથી ઉદ્દભવતા ચક્રવાતો આ ટાપુ પર ભયંકર તબાહી મચાવી દે છે અને જોતજોતામાં વર્ષો જૂના વૃક્ષો ઉખેડી નાખે છે. જેમ જેમ ગ્રીનહાઉસ અસર વધતી રહેશે તેમ તેમ તોફાનોની તીવ્રતા પણ વધવાની અને જેના ગંભીર પરિણામોની કલ્પના કરવી પણ ભયાવહ છે. સંદર્ભ સાભાર: Revelator, CNN, સફારી

Comments

Popular posts from this blog

Union Budget 2026–27: Growth with Fiscal Prudence at the Core

અસરદાર સરદાર @150

મિડિયા: હેડલાઈન vs બેડલાઈન