સપનાઓની દોડ અને સંઘર્ષનો સફર


જીવનમાં ઘણી વખત એવું બને છે કે માણસ પાસે કુશળતા હોય, શિસ્ત હોય અને જે તે ક્ષેત્રમાં સિદ્ધિ મેળવવા અથાગ મહેનત પણ કરતો હોય, પરંતુ તેને યોગ્ય તક મળતી નથી. આવા સમયમાં ઘણા લોકો નિરાશ થઈ જાય છે, હિંમત હારી જાય છે અને પોતાના પરનો વિશ્વાસ ગુમાવી દે છે. પરંતુ આ દુનિયામાં કેટલાક લોકો એવા પણ હોય છે, જે પરિસ્થિતિને નહીં પરંતુ પોતાની મહેનતને પ્રાધાન્ય આપે છે. તેઓ ખરાબ સમયને અંત નથી માનતા, પરંતુ તેને પોતાની શક્તિમાં ફેરવી દે છે. સતત મહેનત કરીને પોતાની કુશળતાને વધુ પ્રબળ બનાવે છે. અને એક દિવસ આવી જ મહેનત નિંદા કરનારને પણ વખાણ કરવા મજબૂર કરી દે છે.

આવી જ એક પ્રેરણાદાયક ઘટના ક્રિકેટની દુનિયામાં જોવા મળે છે. ભારતીય ક્રિકેટ ટીમના પ્રતિભાશાળી ખેલાડી સંજુ સેમસનની. નાનપણથી જ તેમને ક્રિકેટનો ખૂબ શોખ હતો. કલાકો સુધીની પ્રેક્ટિસ, રમત પ્રત્યેનો લગાવ અને સતત સુધારાની ઈચ્છા. આ બધાના કારણે તેઓ ધીમે ધીમે આગળ વધતા ગયા અને IPL માં રમવાનો મોકો મળ્યો. રાજસ્થાન રોયલ્સ ટીમ માટે રમતા તેમણે અનેક મેચોમાં શાનદાર બેટિંગ કરી અને પોતાની પ્રતિભાનો પરચો આપ્યો. તેમની આકર્ષક બેટિંગ અને આત્મવિશ્વાસને કારણે તેમને ટીમના કેપ્ટન તરીકે પણ પસંદ કરવામાં આવ્યા. લોકો કહેવા લાગ્યા કે આ ખેલાડીને ભારતીય ટીમમાં વધુ તક મળવી જોઈએ. અંતે તેમને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું, પરંતુ શરૂઆતના સમયમાં તેમનું પરફોર્મન્સ હંમેશા સ્થિર નહોતું. 2015માં ઝિમ્બાબ્વે સામેની મેચમાં તેઓ 24 બોલમાં માત્ર 19 રન બનાવી શક્યા અને ટીમને હારનો સામનો કરવો પડ્યો. આ પછી તેમની ભારે ટીકા થઈ અને અંતે તેમને ટીમમાંથી બહાર થવું પડ્યું. આવો સમય મોટાભાગના ખેલાડીઓ માટે અંત સમાન બની જાય છે, પરંતુ સંજુ સેમસને આને અંત નહીં પરંતુ નવી શરૂઆત બનાવી. તેમણે પોતાના પર શંકા કરવાને બદલે પોતાને વધુ મજબૂત બનાવ્યા. પ્રેક્ટિસ વધારી, ફિટનેસ સુધારી અને IPLમાં સતત શાનદાર પ્રદર્શન આપતા રહ્યા. એક સમયે તેમની ટીમ કટોકટીમાં હતી અને હાર નિશ્ચિત લાગતી હતી, છતાં તેમણે શાનદાર બેટિંગ કરીને ટીમને જીત અપાવી જે તેમના સંઘર્ષ અને અડગ મનોબળનું ઉત્તમ ઉદાહરણ છે. 

સમય આગળ વધ્યો અને પછી આવ્યો ICC મેન્સ T20 વર્લ્ડકપ. શરૂઆતમાં તેમને દરેક મેચમાં તક મળી નહોતી, પરંતુ જ્યારે મહત્વપૂર્ણ મેચોમાં તક મળી ત્યારે તેમણે વિશ્વને ચોંકાવી દીધું. એક નિર્ણાયક મેચમાં માત્ર 50 બોલમાં 97 રન બનાવી ભારતને જીત અપાવી. ત્યારબાદ સેમિફાઇનલમાં 89 રન અને ફાઇનલમાં ફરી એકવાર 89 રનની શાનદાર ઇનિંગ્સ રમીને તેમણે ભારતને વિશ્વ વિજેતા બનાવ્યું. આખા ટૂર્નામેન્ટમાં 321 રન બનાવી તેમણે “પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ”નો ખિતાબ જીત્યો, જે સાબિત કરે છે કે સાચી મહેનત ક્યારેય વ્યર્થ નથી જતી.એટલા માટે જ કહેવાયું છે કે “પાંખોથી ઉડી તો શકાય છે, પણ આભને આંબવા આત્મબળ જોઈએ”. ક્રિકેટ જ નહીં, પરંતુ જીવનના દરેક ક્ષેત્રમાં આવી જ પ્રેરણાદાયક કહાનીઓ જોવા મળે છે. અમિતાભ બચ્ચનને એક સમય તેમના અવાજના કારણે રેડિયો માટે નકારી કાઢવામાં આવ્યા હતા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ શરૂઆતમાં અનેક નિષ્ફળતાઓનો સામનો કરવો પડ્યો હતો. છતાં તેમણે હિંમત હારી નહીં, સતત પોતાની કળાને નિખારતા રહ્યા. કહેવાય છે ને કે સફળતા એક દિવસમાં નથી મળતી, પણ રોજની મહેનત એક દિવસ સફળતા ચોક્કસ અપાવે છે. આજે “શહેનશાહ” તરીકે ઓળખાય છે. બીજી તરફ શાહરૂખ ખાન દિલ્હીના એક સામાન્ય પરિવારથી આવેલા, કોઈ ફિલ્મી બેકગ્રાઉન્ડ વગરના યુવાન માત્ર પોતાના સપનાઓ અને મહેનતના બળ પર બોલિવૂડમાં પોતાનું સ્થાન બનાવે છે અને આજે “કિંગ ખાન” તરીકે વિશ્વભરમાં ઓળખાય છે. બંનેની સફર એ સાબિત કરે છે કે અસ્વીકાર અને મુશ્કેલીઓ સફળતાના માર્ગમાં અવરોધ નહીં, પરંતુ મજબૂત પાયો છે. 

આવો જ એક પ્રેરણાદાયક પ્રસંગ વિજ્ઞાનના ક્ષેત્રમાં પણ જોવા મળે છે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને વિખ્યાત વૈજ્ઞાનિક A. P. J. અબ્દુલ કલામનો. નાનકડા ગામમાં જન્મેલા કલામ સાહેબે બાળપણમાં અખબાર વહેંચીને પોતાના શિક્ષણનો ખર્ચ કાઢ્યો. તેમણે અનેક નિષ્ફળતાઓનો સામનો કર્યો, પરંતુ ક્યારેય હિંમત હારી નહીં. સતત મહેનત અને સંકલ્પના બળ પર તેઓ ભારતના મિસાઇલ મેન બન્યા અને અંતે દેશના રાષ્ટ્રપતિ તરીકે પણ સેવા આપી. તેમની જીવનયાત્રા બતાવે છે કે સંજોગો ગમે તેવા હોય જો ઈચ્છાશક્તિ મજબૂત હોય તો કોઈપણ મંજિલ અશક્ય નથી. આ બધી ઘટનાઓ આપણને એક જ વાત શીખવે છે, જીવનમાં તક મળવી કે ન મળવી આપણા હાથમાં નથી, પરંતુ તક માટે તૈયાર રહેવું અને તે આવે ત્યારે તેનો પૂરો લાભ લેવો એ સંપૂર્ણપણે આપણા હાથમાં છે. સફળ લોકો અને સામાન્ય લોકો વચ્ચેનો એક જ ફરક હોય છે સફળ લોકો ક્યારેય પ્રયત્ન કરવાનું બંધ કરતા નથી. તેઓ દરેક નિષ્ફળતાને એક પાઠ તરીકે સ્વીકારે છે અને ફરી ઊભા થઈને આગળ વધે છે. આજના યુવાનો માટે આ વાત ખાસ સમજવાની છે કે આપણે ઘણી વખત “perfect opportunity” ની રાહ જોતા રહી જઈએ છીએ. આપણે વિચારીએ છીએ કે જ્યારે બધું સેટ થશે, ત્યારે શરૂઆત કરીશું, પણ સાચી સફળતા તો ત્યારે મળી જાય છે જ્યારે આપણે વિપરિત પરિસ્થિતિમાં પણ હિંમત હાર્યા વગર શરૂઆત કરીએ છીએ. 

આજના સમયમાં સોશિયલ મીડિયા, સરખામણી અને "instant success" ના યુગમાં આપણે ઘણી વાર બીજાની સફળતા જોઈને પોતાનું મૂલ્ય ઓછું સમજવા લાગી જઈએ છીએ. પરંતુ દરેક વ્યક્તિની સફર અલગ હોય છે. કોઈ એક દિવસમાં સફળ દેખાય છે, પરંતુ તેની પાછળ વર્ષોની મહેનત, નિષ્ફળતા અને સંઘર્ષ છુપાયેલો હોય જ છે. જો તમે બીજાની સફળતા જોઈને અટકી જશો, તો તમે તમારી સફર શરૂ જ નહીં કરી શકો. યુવાનોમાં સૌથી મોટી સમસ્યા એ છે કે તેઓ જલ્દી પરિણામ ઈચ્છે છે. બે-ચાર નિષ્ફળતાઓ આવે એટલે જીવનદિશા બદલી નાખે છે અથવા હાર માની લે છે. પરંતુ સાચી જીત તેમને મળે છે જે લોકો લાંબા સમય સુધી એક જ દિશામાં સતત મહેનત કરે છે. કોઈપણ ક્ષેત્રમાં સફળ થવા માટે એક જ વાત જરૂરી છે, અડગ મનોબળ. જ્યારે તમે પોતાની જાતને એવું કહી શકો કે “હું નહીં હારું” ત્યારે દુનિયાની કોઈ શક્તિ તમને હરાવી શકવા સમર્થ નથી. આ લેખ તિલક શેટાના વિચારો પરથી પ્રેરિત છે.

Comments

Popular posts from this blog

Union Budget 2026–27: Growth with Fiscal Prudence at the Core

અસરદાર સરદાર @150

મિડિયા: હેડલાઈન vs બેડલાઈન