દિદી vs દાદા: બાજી બંગાળની કે બવાળો રાજકારણનો?



ભારતમાં છેલ્લા 11-12 વર્ષથી એકહથ્થુ શાસન ભારતીય જનતા પાર્ટીનું રહ્યું છે. એવામાં આગામી સમયમાં પશ્ચિમ બંગાળમાં આવનારી વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે હમણાં જ ભારતીય જનતા પાર્ટીએ મહારાષ્ટ્ર, દિલ્હી અને બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક જીત મેળવી અને આગામી સમયમાં આવનારી અન્ય વિધાનસભાઓની ચૂંટણીના પરિણામોનો આગોતરો અંદેશો આપી દીધો. મહારાષ્ટ્ર, દિલ્હી અને બિહાર આ ત્રણેય રાજ્યો કુલ 95 સીટો લોકસભામાં ધરાવે છે. જ્યારે પશ્ચિમ બંગાળના માત્ર 42 જ સાંસદો છે લોકસભામાં. મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનો વોટ શેર 26% જેટલો છે જ્યારે કોંગ્રેસનો 12.4% જેટલો. દિલ્હીમાં બીજેપી 45.56% અને કોંગ્રેસ 6.34% વોટ શેર ધરાવે છે. જ્યારે બિહારમાં બીજેપી પાસે 19.5% અને કોંગ્રેસ પાસે 9.5% વોટ શેર છે. આ બધા સમીકરણો ધ્યાનમાં લેતા આ તમામ જીત ખૂબ મહત્વની પુરવાર થાય એમ છે ભારતીય જનતા પાર્ટી માટે.

હા, ભારતીય જનતા પાર્ટી દરેક રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી નથી જીતતી. અત્યારે બીજેપી ની 14 રાજ્યોમાં સરકાર છે. જ્યારે કોંગ્રેસની માત્ર 3 રાજ્યોમાં. વધુ વિસ્તૃત અહેવાલ જોઈએ તો આખા ભારતના કુલ ક્ષેત્રફળનો આશરે 70% વિસ્તાર અને કુલ વસ્તીની 73% વસ્તી પર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. જ્યારે સામે પક્ષે 30% ક્ષેત્રફળ સાથે અને 27% વસ્તી સાથે અન્ય બધા પક્ષો છે. પરિણામે બીજેપીની સામે અન્ય વિચારધારાઓ પણ છે. જે ભારતની જીવંત લોકશાહી સૂચવે છે. દરેક રાજ્યોમાં ચૂંટણી ન જીતે તો પણ બીજેપી એડીચોટીનું જોર લગાવી દે છે દરેકે દરેક ચૂંટણીમાં. ખુદ વડાપ્રધાન થી લઈને છેવાડાના કાર્યકર સુધી બધા જ પાર્ટીને કઈ રીતે જીત મળે એ જ ખ્યાલ સાથે ઝનૂનપૂર્વક મેદાનમાં ઉતરે છે. દુનિયામાં જેટલા પણ લોકશાહી દેશો છે અને ત્યાં બધે જેટલી પાર્ટીઓ છે એમાંથી સૌથી વધુ સફળતા ધરાવતી પાર્ટી અને લોકોમાં પણ સર્વાધિક લોકપ્રિય પાર્ટી જો કોઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. 

જે તે પક્ષ સત્તામાં હોય એટલે ઘણા પ્રકારની ટીકાઓ થતી રહેતી હોય છે. થવી પણ જોઈએ, લોકશાહી છે. પણ વિરોધ કે ટીકાઓ વચ્ચે જે વખાણવા લાયક છે એને તો છાપરા પર ચડીને પણ વખાણવું જોઈએ. બીજેપીની અમુક વાતો, અમુક કાર્યપદ્ધતિઓ કે જે આપણે પણ શીખી શકીએ. અહીં એવા જ અમુક મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો છે કે જે બીજેપી વર્ષોથી અનુસરે છે અને કદાચ એના કારણે જ અત્યારે વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં સત્તા પર છે. 

1. જોમ - જુસ્સો (Passion):
કોઈપણ ચુંટણી પછી ભલે એ લોકસભાની હોય કે જે તે રાજ્યની વિધાનસભાની હોય, એ લડવા માટે ભારતીય જનતા પાર્ટી જેટલા જોશ સાથે મેદાનમાં ઉતરે છે એટલા જુસ્સા સાથે સામેની એકપણ પાર્ટી નથી લડતી. શરૂઆતથી જ સાવ નમાલાની જેમ પ્રચાર પ્રસાર કરે છે અને છેલ્લે ચૂંટણી આવતા તો પાણીમાં બેસી ગયેલા હોય છે. બીજેપી પાસે ચુંટણી લડવાની જેટલી એનર્જી છે એટલી વિશ્વના બીજા એકપણ પક્ષમાં નથી. પ્રચાર - પ્રસારથી માંડીને રોડ શો, જન સંપર્ક અભિયાન વગેરે સહીત સોશિયલ મીડિયા પર પણ અદ્ભુત પકડ ધરાવે છે. સમાજના દરેક વર્ગના નાગરિક સુધી તેની પકડ છે. આટઆટલી ચુંટણીઓમાં વિજય પ્રાપ્ત કરવા પાછળ તેનું મુખ્ય કારણ પણ આ જ છે. વડાપ્રધાન સહિત દરેક કાર્યકર એકદમ જુસ્સા પૂર્વક ભાગ ભજવે છે. ખુદ વડાપ્રધાન તો એરપોર્ટથી મુખ્ય સભા સ્થળ સુધી પહોંચવામાં કેટલાય કિલોમીટરનો રોડ શો કરી નાખે છે. એ પછી પેદા થયેલો જુવાળ કોણ રોકી શકે?

2. દૂરદર્શિતા (Vision):
આમ તો એ ખૂબ જ સારી વાત કહેવાય કે ભારતીય લોકશાહીના બીજા સર્વોચ્ચ પદ પર બિરાજમાન વ્યક્તિ ભારત માટે કોઈ વિઝન લઈને બેઠી હોય કે જે ભારતને વિશ્વની અગ્રીમ હરોળની શક્તિઓ સાથે ઉભુ રાખવા માંગતી હોય, સૌથી મોટી અર્થવ્યવસ્થા પૈકીની એક બનાવવાની અને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાની નેમ ધરાવતી હોય. આપણે જોઈએ તો ખ્યાલ આવે કે દર થોડા થોડા સમયે કંઇક ને કંઇક સરકાર તરફથી જાહેરાત કરવામાં આવે કે આવનારા આટલા સમયગાળા દરમિયાન આપણે આ ધ્યેય હાંસલ કરવાનું છે અથવા તો સમગ્ર દેશને આ મુકામ સુધી પહોંચાડવાનો છે. એટલે આપણે બધા પણ હોંશે હોંશે દેશને તેમજ સરકારને ટેકો આપવા લાગી જઈએ છીએ. લોકોને કોઈ દીર્ઘદૃષ્ટિ ધરાવતો વ્યક્તિ નેતા તરીકે પસંદ પડે છે. આમ પણ કોઈ ધ્યેય રાખ્યા વગર કંઈ હાંસલ કરવું અશક્ય જ છે. ભારતીય જનતા પાર્ટી પાસે એક વિઝન છે દેશ માટે તેમજ પાર્ટી માટે. 

3. અવિરત કાર્ય અને પ્રયાસ:
હજારોની સંખ્યામાં રેલીઓ, અસંખ્ય સભાઓ કરવાની અને સરકાર રચાતા સાથે સાથે તમામ રેલીઓ તેમજ સભામાં આપેલ વચનો નિભાવવાના એ સૌથી મોટી વાત. ભારતીય જનતા પાર્ટીને દરેક ચુંટણીમાં જીત નથી મળતી. આમ છતાં તેનું કાર્ય અવિરત ધોરણે ચાલુ જ રહે છે. એક વ્યક્તિએ ખૂબ સરસ વાત લખેલી કે ભારતીય જનતા પાર્ટીમાં જેમ તમે ઊંચા પદ પર હોય તેમ તેમ તમારે વધુ કાર્ય કરવાનું આવે. એ તો અત્યારે પાર્ટીનું વરિષ્ઠ નેતૃત્વ જોતાં જ સમજી શકાય તેમ છે.

4. સરળ મેસેજ, અસાધારણ અમલ :
2014 પછીના આ બારેક વર્ષ જેટલા સમયગાળામાં ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા લાવવામાં આવેલી કેટકેટલીય યોજનાઓ પૈકીની અમુક જોઈએ તો સ્વચ્છ ભારત અભિયાન, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના, હર ઘર જલ વગેરે વગેરે... બીજી તો ઘણી બધી યોજનાઓ છે કે જેનાથી લોકોના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો થયો હોય. એમાં પણ આ ત્રણ તો માણસની સાવ મૂળભૂત જરૂરિયાતો કહી શકાય. આશરે 25 - 27 કરોડથી પણ વધારે લોકોને ગરીબી રેખાની બહાર કાઢ્યા છે. વિચારી શકાય કે છેવાડાના ગામડાના માણસે જ્યારે પ્રથમ વખત ટોઇલેટ વાપર્યું હોય અને જેની ઘરે પ્રથમ વખત પાણી પાઇપલાઇન દ્વારા પહોંચ્યું હોય એનું જીવનધોરણ કેટલું સુધરી જાય. અને આ જ કારણ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પ્રધાનમંત્રીના લાખો-કરોડો ચાહકો છે, રીલમાં પણ અને રિયલમાં પણ. એક અલગ વિચાર અને તેનો પુરેપુરો અમલ અપ્રતિમ લોકચાહના અપાવી દે છે. લાલ કિલ્લા પરથી કહેવામાં આવેલું 'સ્વચ્છ ભારત અભિયાન' સમગ્ર ભારતને સ્વચ્છ - સુઘડ બનાવી દે છે. આવા ભારતમાં રહેવું કોને ન ગમે? 

5. જનમાનસ પર પકડ :
લોકો શું વિચારે છે અને શું કહેશે એના કરતા ભારતીય જનતા પાર્ટી સરેરાશ લોકોનો મત શું છે એ વધુ સારી રીતે જાણે છે અને પકડે છે. લોકો શું વિચારે છે એના કરતાં લોકો શું અનુભવે છે એને વધારે પ્રાધાન્ય આપે છે. ભારતીય જનતા પાર્ટી સિવાયની એકપણ પાર્ટી જનમાનસ પર આટલી ઊંડાણપૂર્વકની પકડ નથી ધરાવતી. જેના કારણે તેઓ નિષ્ફળ જાય છે. ગામડાના છેલ્લામાં છેલ્લા વ્યક્તિ સુધી જરૂરિયાતો પહોંચી અને તેનો શું પ્રતિભાવ છે એના વિશે ખુદ વરિષ્ઠ નેતૃત્વ જ વ્યક્તિગત રીતે સમય અને મુલાકાત દ્વારા પ્રતિભાવ મેળવે છે. આ ભાવના લોકોને હૃદયથી જોડી રાખે છે. 

રહી વાર પશ્ચિમ બંગાળની તો દીદી પોતાની સત્તા ટકાવવા ગમે તે કરી શકે છે. બંગાળ વિધાનસભાની ચૂંટણીઓનો ઇતિહાસ જોતા આ તરફ દાદા પણ નમતું જોખવા તૈયાર નથી. એકદમ શાંતિપૂર્વક ચૂંટણી યોજવા અગાઉથી જ કેન્દ્રીય ચૂંટણી પંચે અને કેન્દ્ર સરકારે આશરે 2.5 લાખ જેટલી પેરામિલિટ્રી ફોર્સ તૈનાત કરી દીધી છે. ખરી મજા આમ તો ચૂંટણી સમયે જ આવશે. પછી જોઈએ, દીદીનો જાદુ ચાલે છે કે દાદાનો ડંડો.

Comments

Popular posts from this blog

Union Budget 2026–27: Growth with Fiscal Prudence at the Core

અસરદાર સરદાર @150

મિડિયા: હેડલાઈન vs બેડલાઈન